જામજોધપુર તાલુકાના નંદાણા ગામના સીમ વિસ્તારમાં આવેલી વાડીના શેઢે મજૂરીકામ કરવા ગયેલા વૃદ્ધની કોહવાઇ ગયેલી લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ આરંભી હતી. જામનગર શહેરમાં લાલવાડી વિસ્તારમાં સંસ્કારધામ સોસાયટી પાસે નશાની હાલતમાં પડી ગયેલા ઇજાગ્રસ્ત પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.
આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના નંદાણા ગામની સીમમાં આવેલી ગોવિંદભાઇ બોદરના ખેતરમાં મજૂરીકામ કરતાં જીતુભાઇ છગનભાઇ વસાવા (ઉ.વ.64) નામના વૃદ્ધ ગત્ તા. 29ના રોજ તેના ખેતરે હતા. દરમ્યાન રાત્રિના સમયે મજૂરીકામે વાડીએ આવ્યા હતા. ત્યારબાદ બીજે દિવસે તા. 30ના સવારે વૃદ્ધનો કયાંય પત્તો લાગ્યો ન હતો. જેથી વાડીમાલિક ગોવિંદભાઇ દ્વારા શોધખોળ કરાતા બપોરના સમયે વાડીના શેઢે જીતુભાઇ વસાવા નામના વૃદ્ધનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવતાં આ અંગેની જાણ પોલીસમાં કરાતા હે.કો. બી. પી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હત્યા કે આત્મહત્યા ? તે અંગેની તપાસ આરંભી હતી.
બીજો બનાવ જામનગર શહેરમાં લાલવાડી વિસ્તારમાં આવેલી સંસ્કારધામ સોસાયટીના જાહેર રોડ પર ગત્ તા. 24ના રોજ રાત્રિના સમયે નેત્રાજભાઇ નાનાલાલ (ઉ.વ.55) નામના પ્રૌઢ નશાની હાલતમાં રોડ પર પડી જતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે હિતેશગીરી ગોસાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ એચ. આર. બાબરિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


