જામનગર તાલુકાના સીક્કા ગામમાં મુખ્ય રોડ પર આવેલી પાનની દુકાન નજીક આજે સવારના 7:30 વાગ્યાના અરસામાં એક પછી એક અસંખ્ય કાગડાઓના ટપોટપ મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઇ હતી.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ કોરોના મહામારીનો કહેર અવિરત રહેતા ત્રીજી લહેરમાં અસંખ્ય લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને આ મહામારીને કારણે છેલ્લાં દોઢ વર્ષથી વાતાવરણ બદલાઈ ગયું છે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અનુભવાય છે અને કમોસમી માવઠાઓ થાય છે તેમજ અમુક જગ્યાએ તો દોઢ થી બે ઈંચ જેટલો વરસાદ પણ વરસે છે. આવા બદલાયેલા હવામાન વચ્ચે જામનગર તાલુકાના સીક્કા ગામમાં અરેરાટી જનકની ઘટના બની હતી. જેમાં સવારે 7:30 વાગ્યાના અરસામાં મુખ્ય રોડ પર આવેલી પાનની દુકાન નજીક એક પછી એક અનેક કાગડાઓના ટપોટપ મોત નિપજ્યા હતાં.
ગામમાં એકાએક અબોલ પશુ એવા કાગડાઓના કોઇ કારણથી મોત નિપજવાથી લોકોમાં આશ્ર્ચર્ય સાથે અરેરાટી ફેલાઈ ગઈ હતી અને કાગડાઓના એક સાથે મોત નિપજવાથી અનેક તર્ક-વિર્તકો થઈ રહ્યા હતાં. આ ઘટનામાં અચરજ પામનાર બાબત એ હતી કે શિકાર સમજી ખાવા આવેલા બીલાડા અને કૂતરાઓ પણ કાગડાઓના મૃતદેહ નજીક જઈ અને તરત જ નાશી જતા હતાં. જેથી લોકોમાં કોઇ ભયંકર બીમારી થી મોત નિપજયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ અંગે સામાજિક કાર્યકર અને પત્રકાર સલીમ મુલ્લા દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી.