કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં નવા બાંધકામમાં બીજા માળે સ્લેબનું કામ કરતા સમયે અકસ્માતે નીચે પટકાતા શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું. જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા પ્રૌઢને ડાયાબિટીસ અને બીપીની બીમારી સબબ બેશુધ્ધ થઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરના રાજપાર્કમાં રહેતાં પ્રૌઢને છાતીમાં દુ:ખાવો થવાથી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ, કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં રહેતાં જયસુખ વીરજીભાઈ ચૌહાણ (ઉ.વ.45) નામનો મજૂરી કામ કરતો યુવાન ગુરૂવારે કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં બીજા માળે સ્લેબ બાંધકામનું કામ કરતો હતો તે દરમિયાન અકસ્માતે નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે જયેશ બથવાર દ્વારા જાણ કરાતા હેકો એચ.કે.મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં અને પાણી પૂરવઠામાં નોકરી કરતાં નારણભાઈ ઉકાભાઈ બારડિયા (ઉ.વ.58) નામના પ્રૌઢને બે સપ્તાહથી ડાયાબિટીસ અને બીપીની તકલીફ દરમિયાન ગુરૂવારે સાંજના સમયે અચાનક બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ પ્રૌઢનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ભરતભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરના રાજપાર્ક શેરી નં.2 બ્લોક નં.8 માં રહેતાં ચંદુલાલ પ્રેમજીભાઈ ચાવડા (ઉ.વ.54) નામના પ્રૌઢને બે દિવસથી છાતીમાં દુ:ખાવો થવાથી શ્ર્વાસની તકલીફના કારણે ગુરૂવારે રાત્રિના સમયે બેશુદ્ધ થઈ જતાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈ મનોજ દ્વારા જાણ કરાતા હેકો એમ.પી.ગોરાણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
કાલાવડના ખરેડીમાં બીજા માળેથી પટકાતા શ્રમિક યુવાનનું મોત
સ્લેબનું બાંધકામ કરતાં સમયે બનાવ : નવાગામ ઘેડમાં બીમારીના કારણે બેશુદ્ધ થઈ જતાં પ્રૌઢનું મોત : રાજપાર્કમાં હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મૃત્યુ