છત્તીસગઢ હાઈકોર્ટના નિર્ણય બાદ હવે વિધવા તેના સાસરિયાઓ પાસેથી ભરણપોષણનો દાવો કરી શકશે. છત્તીસગઢ હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતા આ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ ગૌતમ ભાદુરીની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું હતું કે જો પતિના મૃત્યુ પછી સસરા પુત્રવધૂને ઘરમાંથી કાઢી મૂકે છે, તો પુત્રવધૂને ભરણપોષણ માટે દાવો કરવાનો કાનૂની અધિકાર છે.
આ નિર્ણય છત્તીસગઢ હાઈકોર્ટમાં સસરા દ્વારા આપવામાં આવેલા ફેમિલી કોર્ટના નિર્દેશને પડકારવા પર આપ્યો છે . એક વિધવા મહિલાના સસરાએ ફેમિલી કોર્ટના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો અને કહ્યું કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણનો દાવો કરી શકે છે, પરંતુ તેના મૃત્યુ પછી સાસરિયાઓ પાસે દાવો કરી શકતી નથી, તેથી ફેમિલી કોર્ટનો નિર્ણય બરતરફ કરવામાં આવે. આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો છે. કોરબાની એક યુવતીના લગ્ન 2008માં થયા હતા, પરંતુ તેના પતિનું 2012માં અચાનક અવસાન થયું હતું.
આ પછી તેના સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી મુકી હતી અને તે તેના મામાના ઘરે રહેવા લાગી હતી. 2015માં તેણે જાંજગીર-ચંપા ફેમિલી કોર્ટમાં તેના સાસરિયાઓ પાસેથી ભરણપોષણની માંગણી કરતી ફરિયાદ દાખલ કરી હતી. જેના પર કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપતા સસરાને વિધવા પુત્રવધૂને ભરણપોષણ માટે પૈસા આપવાનો આદેશ કર્યો હતો.