જામનગરમાં ઇન્દિરા સોસાયટીમાં એક ટ્રક ચાલકે વીજપોલ ભાંગી નાખતાં મકાન પર પડ્યો હોવાના કારણે નુકસાની થઈ હતી, અને મકાન માલિકે વળતરની માંગણી સાથે વિજ પોલ ઉભો કરતાં અટકાવવાથી ગડમથલ સર્જાઇ હતી, આખરે સ્થાનિક કોર્પોરેટર ની મદદથી વિજ તંત્ર એ મકાન માલિકને સમજાવ્યા બાદ ફરીથી વીજ પોલ ઉભો કરી દેવાયો હતો, અને વીજ પુરવઠો રાબેતા મુજબ થયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરની ઇન્દિરા સોસાયટીમાં ગઈકાલે રવિવારે રજા ના દિવસે એક ટ્રક ચાલકે બેદરકારી પૂર્વક પોતાનું વાહન ચલાવીને એક વીજ પોલને ભાંગી નાખ્યો હતો. જે વિજ પોલ તૂટીને બાજુના એક મકાન પર પડ્યો હતો, જેથી મકાનમાં નુકસાની થઈ હતી, અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.
આ બનાવની જાણ થવાથી વિજ ટુકડી તુંરતજ બનાવના સ્થળે પહોંચી હતી, અને ફરીથી વિજ પોલ ઉભો કરવા માટેની પ્રક્રિયા હાથ ધરતાં મકાન માલિકે જ્યાં સુધી મને વળતરના મળે, ત્યાં સુધી અહીં થી વીજપોલ નહીં હટાવવા, અને નવો વીજ પોલ ઉભો કરતાં અટકાવ્યા હતા. જેથી સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઇજનેર અજય પરમાર બનાવના સ્થળે પહોંચ્યા હતા, અને સમગ્ર પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સ્થાનિક કોર્પોરેટર કેશુભાઈ માડમની મદદ લીધી હતી.
તેઓની મધ્યસ્થી અને આસપાસના અન્ય રહેવાસીઓની સમજાવટ બાદ આખરે મામલો થાળે પડ્યો હતો, અને મકાન માલિક ફરીથી વીજ પોલ ઉભો કરાવવા માટે સહમત થયા હતા, અને વિજતંત્રની ટુકડીએ રવિવાર ની રજાના દિવસે પણ વિજ કચેરી નો સ્ટોર ખોલાવી જરૂરી સામાન કઢાવી રાત્રિના 10.30 વાગ્યા સુધી રીપેરીંગની કામગીરી હાથ ધરીને નવો પોલ ઉભો કરી દીધો હતો, અને આસપાસના વિસ્તારનો વિજ પુરવઠો પૂર્વવત બનાવ્યો હતો, જેથી સ્થાનિકોએ હાથકારો અનુભવ્યો હતો.