જામનગરમાં આઇ.ડી.બી.આઇ. બેન્ક દ્વારા ગ્રાહકને કરાતી હેરાનગતિને લઇ ગ્રાહક ઓશિકાં અને ચાદર લઇ બેન્ક ખાતે પહોંચ્યો હતો. જ્યાં સુધી બેન્ક દ્વારા તેનું કામ ન કરવામાં આવે ત્યાં સુધી બેન્કમાં સોફા પર સૂઇ જઇ વિરોધ કરતાં બેન્ક કર્મચારીઓમાં હડકંપ મચી ગયો હતો. આમ, આ અનોખા વિરોધની બેન્કમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
જામનગરની આઇ.ડી.બી.આઇ. બેન્કમાંથી જામનગરના જેશાભાઇ નામના નાગરિકે હોમલોન લીધી હતી. બેન્કમાંથી હોમલોન લીધા બાદ આ લોન બીજી બેન્કમાં ટ્રાન્સફર કરવા માંગતા હોય આ અંગે તેમણે બેન્ક પાસેથી ડોક્યુમેન્ટ માંગ્યા હતા પરંતુ આઇ.ડી.બી.આઇ. બેન્ક દ્વારા ડોક્યુમેન્ટ પરત આપવામાં નહીં આવતાં જેશાભાઇએ પરેશાનીનો સામનો કરી રહ્યાં હતા. આ દરમ્યાન જેશાભાઇને સંતોષકારક જવાબ નહીં મળતાં તેઓની પરેશાની વધતાં તેઓએ અનોખો વિરોધ કરવાનો માર્ગ અપનાવ્યો હતો. તેઓ ઓશિકાં અને ચાદર લઇને આઇ.ડી.બી.આઇ. બેન્કના સોફા પર સૂઇ ગયા હતા. ઘરેથી ઓશિકાં અને ચાદર લઇ બેન્કે પહોંચેલા ગ્રાહક દ્વારા જ્યાં સુધી જરૂરી ડોક્યુમેન્ટ બેન્ક દ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી બેન્કમાં રહીને જ વિરોધ કરવાનું જણાવતાં બેન્કના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. બેન્ક દ્વારા સંતોષકારક જવાબ ન મળતાં તેમણે સોફા ઉપર લંબાવી વિરોધ શરૂ કર્યો હતો.


