દેશના વિભિન્ન સ્ટીલ પ્લાન્ટમાંથી દર વર્ષે 19 મિલિયન ટન સ્ટીલનો કચરો નીકળે છે. સ્થિતિ એવી બની છે કે, સ્ટીલ પ્લાન્ટમાં કચરાના પહાડો બની ગયા છે. પરંતુ હવે સ્ટીલના આ જ કચરામાંથી રસ્તાઓ બનશે. અનેક વર્ષોના સંશોધન બાદ કેન્દ્રીય સડક સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ સ્ટીલના કચરાને પ્રોસેસ કરીને કપચીનું નિર્માણ કર્યું છે. આ કપચી વડે ગુજરાતમાં 1 કિમી લાંબો 6 લેનનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. હવે દેશમાં હાઈવે પણ આ સ્ટીલના વેસ્ટમાંથી જ બનશે. ગુજરાતના હજીરા પોર્ટ ખાતે બનાવાયેલો એક કિમી લાંબો આ રસ્તો પહેલા અનેક ટન વજન લઈને ચાલી રહેલા ટ્રકોના કારણે બિસ્માર રહેતો હતો. પરંતુ એક પ્રયોગ અંતર્ગત તે રસ્તાને સંપૂર્ણપણે સ્ટીલ વેસ્ટમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. હવે દરરોજ 1000થી પણ વધારે ટ્રક 18થી 30 ટન વજન લઈને પસાર થાય છે પરંતુ રસ્તો બિલકુલ એ જ સ્થિતિમાં રહ્યો છે. આ પ્રયોગ બાદ દેશના હાઈવે અને અન્ય રસ્તાઓ પણ સ્ટીલના કચરામાંથી બનાવવામાં આવશે કારણ કે, તેનાથી બનેલા રસ્તાઓ ખૂબ જ મજબૂત હોય છે અને ખર્ચો પણ આશરે 30 ટકા ઓછો થાય છે. CRRIના કહેવા પ્રમાણે સ્ટીલના વેસ્ટમાંથી બનેલા રોડની જાડાઈમાં પણ 30 ટકા જેટલો ઘટાડો થયો છે.