જામનગરમાં તાજેતરમાં પટેલ સમાજની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મતદાન બાદ આજીવન ટ્રસ્ટી દ્વારા હાઇકોર્ટમાં કેસ પેન્ડીંગ હોવાના મુદ્દે વાંધા અરજી આપવામાં આવી હતી. જેને ધ્યાને લઇ પટેલ સમાજની ચૂંટણીની મતગણતરી સ્થગિત રાખવામાં આવી હતી. જે આગામી તા. 1 મેના રોજ કારોબારી સભ્યો પુરતી મત ગણતરી યોજાશે. 15 સભ્યોની કારોબારીના 32 ઉમેદવારો પુરતી મત ગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે ટ્રસ્ટીઓની ચૂંટણીઓની મત ગણતરી હાઇકોર્ટના હુકમ બાદ હાથ ધરવામાં આવશે. તેમ મદદનિશ ચેરીટી કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લામાં જ્ઞાતિગત સૌથી મોટી સંખ્યા ધરાવતાં લેઉવા પટેલ સમાજની કારોબારી અને ટ્રસ્ટીઓની ચૂંટણી ગત તા. 14 એપ્રિલના રોજ યોજાઇ હતી. જેમાં 3 હજાર જેટલા મતદારોએ 15 સભ્યોની કારોબારીની બેઠકો માટે ચૂંટણીમાં ઉભેલા 32 મતદારો માટે 69 ટકા જેટલું ઉંચુ મતદાન કર્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ એક ટ્રસ્ટી દ્વારા ચૂંટણી અધિકારી ડી.જી. શેઠને ટ્રસ્ટીઓની ચૂંટણી યોજવા અંગેનો મામલો હાઇકોર્ટમાં ગયો હોવાથી મતગણતરી સામે વાંધા અરજી આપવામાં આવી હતી. જે બાદ તા. 26ના રોજ રાજકોટ ખાતેના સંયુક્ત ચેરીટી કમિશનર દ્વારા અપાયેલા માર્ગદર્શન મુજબ ચૂંટણી અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે, આગામી તા. 1 મેના રોજ સવારે 8 વાગ્યે ટ્રસ્ટીઓને બાદ રાખીને 15 સભ્યોની કારોબારીના 32 ઉમેદવારોને મળેલા મતોની ગણતરી કરવામાં આવશે.
આ મતગણતરી પારદર્શકતાથી કરી ઉમેદવારોને મળેલા મત મુજબ ક્રમ ગોઠવી 1 થી 15 ક્રમમાં મળેલા વધુ મતવાળા ઉમેદવારોના નામો ચૂંટાયેલા કારોબારી સભ્યો તરીકે જાહેર કરવામાં આવશે. ટ્રસ્ટી મંડળમાં પુરતા ઉમેદવારી ફોર્મ આવેલા નથી. તેથી ગણતરી કરવાની રહેતી નથી.
હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન પેન્ડીંગ છે. તેથી હાલના સંજોગોમાં ટ્રસ્ટીઓની પરિણામ જાહેર કરવાનું રહેતું નથી. ટ્રસ્ટીઓના પરિણામ અંગે હાઇકોર્ટ હુકમને આધીન આગળની કાર્યવાહી કરવામાં આવશે. આમ હવે પટેલ સમાજની કારોબારીની ચૂંટણીનું પરિણામ તા. 1 મેના રોજ જાહેર થશે.