ખંભાળિયા પીજીવીસીએલ હેઠળના વડત્રા વિસ્તારના વીજ ફીડરનો પુરવઠો છેલ્લા ત્રણેક દિવસ થયા અનિયમિત બની રહેતા સ્થાનિક ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી છે. આ મુદ્દે સ્થાનિક ખેડૂતો દ્વારા વીજ સત્તાવાળાઓને સામુહિક રીતે રજૂઆતો કરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના વડત્રા, ઝાખસીયા, આસોટા, બેહ સહિતના ગામો કે જે વડત્રા ફીડર હેઠળ આવે છે, આ ગામોનો છેલ્લા ત્રણેક દિવસથી વીજ પુરવઠો અનિયમિત બની રહેતા અને આ વિજ ધાંધિયાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, જુદા-જુદા ગામના ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યા હતા અને આક્રોસ સાથે સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી.
હાલ ઘણા સમયથી વરસાદ ન હોય અને મગફળી સહિતના પાક મહદ અંશે તૈયાર હોવાના કારણે આ પાકને પિયત કરવું ફરજિયાત બની રહ્યું છે. તે માટે વીજ પુરવઠો અનિવાર્ય હોવાની પરિસ્થિતિમાં છેલ્લા ત્રણ દિવસથી વડત્રા ફીડરમાં પૂરતો વીજપુરવઠો ન અપાતો હોવાના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. જેના કારણે ખેડૂતો હાલ કફોડી હાલતમાં મુકાઈ ગયા હોય, આ મુદ્દે અહીંના વીજ ઇજનેરને સામુહિક રજૂઆત કરી, ધરણા કરવામાં આવ્યા હતા.
આ મુદ્દે કાર્યપાલક ઇજનેર પટેલે રજૂઆતોને ધ્યાને લઇ, આ મુદ્દે તાકીદે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.