Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતવિજયભાઇ સાવ સરળ અને ભોળા માણસ છે….

વિજયભાઇ સાવ સરળ અને ભોળા માણસ છે….

- Advertisement -

રાજકીય ફંકશન એ સામાજિક મેળાવડો છે ! વિજયભાઇની સરકાર આમ માને છે ! અને, એટલે જ તો રાજકીય ફંકશનમાં 400 લોકોની છૂટ આપી દેવામાં આવી, નવી કોરોના ગાઇડલાઇનમાં. વિજયભાઇને માલૂમ થાય કે, રાજકીય પક્ષોના ફંકશનમાં માત્ર જે-તે પક્ષનાં આગેવાનો તથા કાર્યકર્તાઓ જ હોય છે-તે સામાજિક મેળાવડો કે ઉત્સવ નથી. રાજકીય કાર્યક્રમોમાં પ્રજાસમૂહ સમ્મિલિત થતો નથી.

વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. સરકારના પાંચ વર્ષના ઉજવણી કરવાની છે- એવા સમયે કોરોના ગાઇડલાઇનમાં, રાજકીય પક્ષોને જે છૂટછાટો આપવામાં આવી રહી છે તેની પ્રજામાં આકરી ટીકાઓ થઇ રહી છે. વિજયભાઇની આજુબાજુના સલાહકારો વિજયભાઇને ખરૂં જણાવતાં નથી ! ગેરમાર્ગે દોરે છે. વિજયભાઇ સાવ સરળ-ભોળા માણસ છે.

કોરોનાની નવી ગાઇડલાઇન અંતર્ગત રાજ્ય સરકારે લગ્નોમાં માત્ર 150 તથા અંતિમક્રિયાઓમાં માત્ર 40 લોકોની છૂટ આપી છે. તેથી રાજ્યભરમાં લોકોમાં કચવાટ છે. સરકાર પ્રત્યે નારાજગી છે. શાસકોએ લાંબી ઇનિંગ ખેલવા પ્રજાની નારાજગી જાણવી ફરજિયાત હોય છે, એ હકીકતથી વિજયભાઇ વાકેફ નથી?

લગ્નોમાં માત્ર 150 લોકોને છૂટ આપવાથી કેટરિંગથી માંડીને મંડપના વ્યવસાયોમાં ધંધાર્થીઓ નારાજ છે.

એક મુદ્દો એ પણ છે કે, ત્રીજી લહેરના કાંઠે આપણે ઉભ્યા છીએ. કેરળમાં કેસો વધી રહ્યા છે. તામિલનાડુ-કર્ણાટકમાં પણ કેસો વધ્યા છે. યુરોપના દેશોમાં કેસો વધે છે. મધ્યપૂર્વના દેશોમાં કોરોનાની ચોથી લહેર આવી છે.

ગૂજરાતમાં રાજકીય-ધાર્મિક કાર્યક્રમોમાં ટોળાં ઉમટે છે. બીજી લહેર પૂર્વે પણ સૌએ ભૂલ કરેલી, જેનાં માઠાં પરિણામો ગત એપ્રિલ-મે માં સૌએ ભોગવ્યા !

હવે, ફરી આપણે છૂટછાટના માર્ગે છીએ, ફરી આપણે સપ્ટેમ્બર-ઓકટોબરમાં રૂદન કરવા ઇચ્છીએ છીએ ? – એ પણ વિચારવું પડશે.

વિજયભાઇ, આપના પર સાડા છ કરોડ ગુજરાતીઓની જિંદગીનો આધાર છે. આપ નિર્ણયો લેતી વખતે વધું જ વિચારો એવી અપેક્ષા આખાં ગુજરાતને છે.

આપણે આશા રાખીએ, ત્રીજી લહેર કયારેય ન આવે તથા લગ્નસમારોહો અંગે સરકાર નવેસરથી છૂટ મામલે વિચાર કરે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular