જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં રામ રાજ્ય પ્રવર્તતું હોય તેવો માહોલ મ્યુનિસીપલ કમિશનરના આકસ્મિક ચેકિંગમાં જોવા મળ્યો હતો. કમિશનરે મહાપાલિકાની જુદી જુદી શાખાઓમાં આકસ્મિક ચેકિંગ કરતાં મોટાંભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની જગ્યાએથી નદારદ જોવા મળ્યા હતાં. પરિણામે કમિશનરનો પારો પણ સાતમા આસમાને પહોંચી ગયો હતો. ચેકિંગ બાદ તુરત 36 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને કચેરીમાં તેમની ગેરહાજરી અંગે નોટિસ ફટકારવામાં આવી છે તેમજ તેઓનો લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. જો ખુલાસો સંતોષકારક નહીં જણાય તો કચેરીને બદલે ઘરે આરામ ફરમાવતા આવા લાપરવાહ અને બેદરકાર અધિકારી-કર્મચારી સામે કડક પગલાં લેવામાં આવશે.
મ્યુનિસીપલ કમિશનર વિજયકુમાર ખરાડી એ આજે જામ્યુકોની જુદી જુદી શાખાઓની સરપ્રાઈઝ ચકાસણી કરી હતી. તેમણે શાખાના હાજરી પત્રક તેમજ મુવમેન્ટ રજીસ્ટરની ચકાસણી કરતા અસંખ્ય કર્મચારીઓની હાજરી જ જોવા મળી ન હતી. જ્યારે કેટલાંક કર્મચારીઓ મુવમેન્ટ રજીસ્ટરમાં નોંધ કર્યા વગર જ બહાર મુવમેન્ટ કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ચકાસણી દરમિયાન આવા 36 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ગેરહાજરી જણાતા તમામને નોટિસ ફટકારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખીય છે કે, જામ્યુકોની કચેરીમાં બપોરના સમયે કર્મચારીઓ ગેરહાજર રહેતા હોવાની અનેક વખત ફરિયાદો ઉઠવા પામી છે. કચેરીમાં રિસેસનો સમય 1:30 થી 2 વાગ્યા સુધીનો હોવા છતાં બપોરે 1 વાગ્યાથી ચાર વાગ્યા સુધી તમામ કચેરીઓ લગભગ સુમસામ ભાસતી હોય છે. આ સમયગાળા દરમિયાન ભાગ્યે જ કોઇ કર્મચારી પોતાની ખુરશી પર જવાબદારી નિભાવતા જોવા મળે છે. ત્યારે કમિશનરના આ ચેકિંગની આવનારા દિવસોમાં કેવી અસર થાય છે ? તે જોવું રહ્યું.