જામનગર શહેરમાં મુખ્યમંત્રી યોજના તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અલગ-અલગ આવાસ યોજનાઓની જામનગર યુવા આઇએએસ મ્યુનિ. કમિશ્નર વિજય ખરાડી દ્વારા સીટી એન્જિનીયર અને સ્લમ શાખાના નાયબ ઈજનેર સાથે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ સત્યમ કોલોની રોડ પર આવેલ જામનગર શહેરની સૌથી ઉંચી એલઆઇજી-2 આવાસ યોજનાની વિઝીટ કરવામાં આવી અને એસોસીએશનના સભ્યોે સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સરૂ સેકશન રોડ ખાતે સરલાબેન ત્રિવેદી ભવન એલઆઇજી પ્રકારની આવાસ યોજનામાં મુલાકાત લીધી અને લાભાર્થીઓ દ્વારા પીવાની પાણીની કેપસીટી વધારવા અથવા તો બે વખત વોટર સપ્લાય કરવા તેમજ જાહેર રોડ પર સ્પીડ બ્રેકર મુકવા રજુઆત કરી હતી. જે અન્વયે સીટી એન્જિનીયર અને વોટર વર્કસ વિભાગ સાથે સંક્લન કરીને નિરાકરણ કરવા નાયબ ઈજનેર સ્લમ શાખાને સુચના આપવામાં આવી હતી. ત્યારબાદ બાજુમાં આવેલ સુચિત સ્પોર્ટસ કોમ્પલેક્ષની કામગીરી પણ ઝડપથી શરૂ કરવા અને તેની સાઈટ વિઝીટ પણ કરવામાં આવી હતી. તે જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી સમયમાં શરૂ થનાર ઇડબ્લ્યુએસ-1 પ્રકારના 544 આવાસો ની સાઈટ મુલાકાત કરવામા આવી અને કોમર્શીયલ કોમ્પલેક્ષમાં જી+2 સુધીનું બાંધકામ કરવામાં આવે અને સુવ્યવસ્થિત પ્લાનીંગ સાથે લે-આઉટ પ્લાન સાથે ટેન્ડર પ્રક્રિયા કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોલ્ડન સીટી સામે આવેલ આવાસ યોજનાના કોમ્યુનીટી હોલની મુલાકાત લેવામાં આવેલ અને ત્યારબાદ સરૂ સેકશન રોડ પર જુલાઈ-2020માં મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંતશ્રી કબીર નગર તરીકે ઓળખાતી ઇડબ્લ્યુએસ-1 પ્રકારના આવાસ યોજનામાં એસોસીએશનના પ્રમુખના એ વીંગના ફર્સ્ટ ફલોર પર આવેલ ફ્લેટની મુલાકાત લઈને એમના પરિવાર જનોના ખબર-અંતર પણ કમિશ્નર દ્વારા પુછવામાં આવ્યું હતું. એકંદરે સમગ્ર આવાસ યોજનાની ગુણવતા અને આપવામાં આવેલ સુવિધાઓ બાબતે કમિશ્નરએ સંતોષ વ્યક્ત કર્યો અને આગામી આવાસ યોજનામાં પણ આવુ જ સુંદર આયોજન થાય તે અંગે સુચનો કર્યા હતાં.