રાજ્યના લોકોની સુરક્ષા માટે રાત-દિવસ જોયા વગર ફરજ બજાવી રહેલા પોલીસ જવાનો માટે દિવાળી એક મહિનો વહેલી આવી જાય તેવી પૂરી શક્યતા છે. તાજેતરમાં જ સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પેમાં વધારો કરવા માટે 550 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. જો કે પેકેજ મંજૂર કરાયા બાદ ગ્રેડ-પેમાં વધારો કરવાનો પરિપત્ર જાહેર કરવામાં નહીં આવ્યો હોવાથી કર્મીઓને આ મહિનાથી પગારવધારાનો લાભ નહીં મળે તેવી અટકળો વહેતી થઈ હતી. દરમિયાન સરકારના સૂત્રોએ જણાવ્યું કે સોમવાર સાંજ સુધીમાં ગ્રેડ-પેનો સુધારો કરતો નવો પરિપત્ર પ્રસિદ્ધ કરી દેવામાં આવશે
જેથી આ મહિનાથી જ કર્મચારીઓને પગારવધારાનો લાભ મળી જશે. સોમવારે 29મી ઑગસ્ટ છે ત્યારે સાંજ સુધીમાં ગ્રેડ-પેનો નવો જીઆર (પરિપત્ર) જાહેર થઈ જવાથી તેનો અમલ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવનાર હોવાથી આ મહિનાના પગારમાં જ વધારો સામેલ થઈ જશે મતલબ કે 1 સપ્ટેમ્બરથી કર્મીઓને પગારવધારો મળી જશે. દિવાળી ઑક્ટોબર મહિનામાં આવી રહી છે પરંતુ પગારવધારો થઈ જવાને કારણે પોલીસકર્મીઓની દિવાળી એક મહિનો વહેલી મતલબ કે સપ્ટેમ્બર મહિનામાં જ આવી જશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી દ્વારા એવો વાયદો કરવામાં આવ્યો હતો
કે ગુજરાતમાં પોલીસનો ગ્રેડ-પે અત્યંત ઓછો છે અને અન્ય રાજ્યોની તુલનાએ અહીંના પોલીસકર્મીઓ પાસે કામ વધુ અને વેતન ઓછું ચૂકવવામાં આવશે એટલા માટે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દેશના દરેક રાજ્યના પોલીસ કર્મીઓ કરતાં વધુ પગાર ગુજરાતના પોલીસ જવાનોને આપવામાં આવશે. ‘આપ’ના આ વાયદાની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને સરકાર દ્વારા તાત્કાલિક એક્શનમાં આવી જઈને ગ્રેડ-પેમાં સુધારો જાહેર કરતાં કર્મીઓ માટે 550 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. પેકેજ જાહેર કરાયા બાદ તેનો અમલ ક્યારે શરૂ થશે તેને લઈને સવાલો ઉપસ્થિત થવા લાગ્યા હતા ત્યારે હવે સોમવારે સાંજ સુધીમાં જ નવો પરિપત્ર જાહેર કરી દેવામાં આવનાર હોવાથી ઑગસ્ટ મહિનાનો પગાર પોલીસ કર્મીઓને વધારે મળશે.