દેશમાં રાંધણ ગેસ (એલપીજી) પર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગઈ છે. આથી મોટાભાગના લોકોનું માનવું છે કે કેન્દ્ર સરકારે એલપીજી પરની સબસિડી બંધ કરી દીધી છે. જોકે, દિલ્હીના એક ગ્રાહકને ટ્વિટર પર જવાબ આપતાં શુક્રવારે સરકારે કહ્યું હતું કે, રાંધણ ગેસની બોટલ પરની સબસિડી અગાઉની જેમ હજુ પણ ચાલુ જ છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની ઈ-સેવા સુવિધાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ MoPNG e-Seva પર દિલ્હીના એક ગ્રાહક સી. એલ. શર્માએ સરકારને સવાલ કર્યો, ’હું ફરી એક વખત જાણવા માગું છું કે શું કેન્દ્ર સરકારે એલપીજી પર સબસિડી ખતમ કરી દીધી છે, કારણ કે છેલ્લા 18 મહિનામાં એક પણ પૈસાની સબસિડી મારા બેન્ક ખાતામાં જમા થઈ નથી જ્યારે ગેસ એજન્સી વાઉચર પર કાયદેસર 859 રૂપિયાના સિલિન્ડર માટે સબસીડાઈઝ્ડ સિલિન્ડર લખે છે.’ ટ્વિટર પર સરકારને સવાલ પૂછવાની સાથે તેમણે ગેસ એજન્સીની નાણાં ભર્યાની પહોંચ પણ ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ગ્રાહક સી.એલ. શર્માને ટ્વિટર પર જ જવાબ આપ્યો. મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ MoPNG e-Seva પર શર્માને જવાબ આપતા કહ્યું કે, કેન્દ્ર સરકારે એલપીજી પર સબસિડી ખતમ કરી નથી. ઘરેલુ રાંધણ ગેસની બોટલ પર સબસિડી હજુ પણ આપવામાં આવે છે. તે અલગ-અલગ બજારોમાં અલગ-અલગ હોય છે. તમારા કનેક્શન પર મે 2020થી કોઈ જ સબસિડી જનરેટ થઈ નથી, તેથી તેને તમારા ખાતામાં જમા કરવામાં આવી નથી.