જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં ધીંગેશ્વર મહાદેવ મંદિર નજીકથી હત્યા નિપજાવેલ મહિલાના મૃતદેહ મળી આવ્યાની ઘટનામાં પોલીસે પીએમ રીપોર્ટ આવ્યા બાદ સચાણા ગામના શખ્સને દબોચી લઇ તેની પાસે રહેલું નંબરવગરનું બાઈક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં ધીંગેશ્વર મહાદેવ મંદિરથી છછીવાડી તરફ જવાના કાચા માર્ગ પરથી બુધવારે સવારના સમયે આશરે 50 વર્ષના નિવસ્ત્ર મહિલાનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા પીએસઆઈ જે.પી. સોઢા, આર.એલ. ઓડેદરા, હેકો આર.એમ.જાડેજા, આર.જે. જાડેજા, જે.વી. જાડેજા, પો.કો. જયદીપસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી. બાદમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ તપાસ આરંભી હતી. દરમિયાન હેકો રવિન્દ્રસિંહ જાડેજા અને જયદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આ હત્યામાં સચાણામાં રહેતો જુસબ ઉર્ફે કારો ચોર અબ્બાસ કક્કલ (ઉ.વ.58) નામના શખ્સને જાંબુડા-સચાણા માર્ગ પર જાંબુડા ગેઈટ નજીકથી દબોચી લીધો હતો અને જુસબની પૂછપરછ કરતા તેણે આ મહિલાની હત્યા નિપજાવી હોવાની કેફીયત આપી હતી પોલીસે તેની પાસે રહેલું 10 હજારનું બાઇક કબ્જે કરી જુસબનો કોવિડ ટેસ્ટ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે જુસબની ધરપકડ કરી અને રિપોર્ટ માટેની તજવીજ હાથ ધરી હતી તેમજ મૃતક દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ છે કે કેમ ? તે અંગે પૂછપરછ હાથ ધરી હતી.