ખબર-ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નગરપાલિકા તંત્ર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેની ઝુંબેશ ગઈકાલે પણ ચાલુ રાખવામાં આવી હતી. જેમાં જુદા જુદા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી.
નગરપાલિકાના નવ નિયુક્ત ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઉપયોગમાં લેવાતા સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત બે દિવસ પૂર્વે પકડાયેલા 500 કિલો જેટલા જથ્થા બાદ ગઈકાલે શુક્રવારે વધુ 200 કિલો જેટલો જથ્થો કબજે લેવામાં આવ્યો છે.
અહીંના શાકમાર્કેટ, રાજડા રોડ, ટ્રેઝરી ઓફિસ વિગેરે વિસ્તારોમાં નગરપાલિકા સેનિટેશન વિભાગના રાજપાર ગઢવી, કિશોરસિંહ સોઢા, હિતુભા જાડેજા તથા સ્ટાફે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેની કામગીરીમાં પ્લાસ્ટિકની પ્રતિબંધિત ઝબલા થેલી, પાર્સલ બેગ, થર્મોકોલ ડીસ, વાટકા, ગ્લાસ, ચા ની પ્યાલીઓ વિગેરે સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.