ભાણવડ તાલુકાના ઘુમલી ગામે બુટલેગરે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. એક શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા શખ્સે પોલીસકર્મી ઉપર પથ્થર વડે હુમલો કરતા માથાના ભાગે ઈજાઓ પહોચતા પોલીસકર્મીને ભાણવડની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભાણવડ તાલુકાના ઘુમલી ગામે રાણીવાવ નેસ વિસ્તારમાં રહેતા રત્ના મુળુભાઈ ચાવડા નામના શખ્સ પાસે દેશી દારુનો જથ્થો હોવાની બાતમીના આધારે ભાણવડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ચંદુભા જાડેજા સહીતના પોલીસ કાફલા દ્વારા દારુ અંગે દરોડો પાડવામાં આવ્યો તે દરમિયાન રત્ના મુળુભાઈ ચાવડા પાસેથી દેશી દારુના ચાર પાઉચ મળી આવતા પોલસ કસ્ટડી ટાળવા માટે ઉશ્કેરાયેલા શખ્સે હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી છુટવા માટે ઝપાઝપી કરી પથ્થર વડે હુમલો કરતાં પોલીસકર્મીને માથામાં ઈજાઓ પહોચતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભાણવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓને નવ ટાંકાઓ આવ્યા હતા,
આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસ સ્ટેશને હેડ કોન્સ્ટેબલની દરિયાદ ઉપરથી રત્ના ચાવડા નામના શખ્સ વિરુધ 323,324,506(2) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.