જામનગર જિલ્લાના મેઘપર ગામમાં રહેતાં અજાણ્યા યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતાં વૃધ્ધને બ્લડપ્રેશર અને ડાયાબિટીસના કારણે તબિયત લથડતાં સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવતાં રસ્તામાં જ મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપર ગામમાંથી બુધવારે સાંજના સમયે 35 વર્ષનો અજાણ્યો યુવાન માથામાં ગંભીર ઇજા પહોંચેલો મળી આવતાં બાબુભાઇ મુછડીયા નામના યુવાન દ્વારા ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે બાબુભાઇની જાણના આધારે પીએસઆઇ વાય.બી.રાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં અને યુવાનનું મોત કયા કારણોસર નિપજયું તે અંગેની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર શહેરના હર્ષદમીલની ચાલી પાસે આવેલા પટેલનગર 3 મા રહેતાં મનસુખભાઇ ભીખુભાઇ સોલંકી(ઉ.વ.60) નામના વૃધ્ધને બ્લડપ્રેસર અને ડાયાબીટીસની બીમારીના કારણે બુધવારે સાંજના સમયે તબિયત લથડતાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમની હાલત વધુ નાજુક જણાતા અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાતા હતાં ત્યારે માર્ગ માં જ વૃધ્ધનું મોત નિપજયું હતું.આ અંગે મૃતકના પુત્ર રિતેન્દ્ર દ્વારા જાણ કરાતા હેકો. આર.ડી.ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.