કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહેતી યુવતી તેણીના ઘરેથી ચાલી ગયા બાદ સીમમાં આવેલા સરકારી ખરાબાના ખાડામાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી. જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા પ્રૌઢનું તેના ઘરે અકસ્માતે પડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના ડેરી ગામના ભરવાડ પા વિસ્તારમાં રહેતી મનિષાબેન ચેતનભાઈ માટીયા (ઉ.વ.25) નામની પરિણીતા ગત તા.8 ના રોજ વહેલીસવારના સાડા ચાર વાગ્યાના અરસામાં તેણીના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી ગઈ હતી અને ત્યારબાદ તેના પરિવાર દ્વારા યુવતીની શોધખોળ કરવામાં આવતા કોઇ પત્તો લાગ્યો નહતો. દરમિયાન રવિવારે સવારના સમયે ડેરી ગામની સીમ સામે આવેલા સરકારી ખરાબામાં પાણી ભરેલા ખાડામાંથી મનિષાબેનનો મૃતદેહ મળી આવતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના ચેલા ગામમાં ખાનગી કંપનીમાં એન્જીનિયર તરીકે નોકરી કરતા હિમાદ્રીભાઈ અનિલચંદ્ર દેબનાથ (ઉ.વ.52) નામના પ્રૌઢ તેના ઘરે શનિવારે રાત્રિ દરમિયાન કોઇ કારણસર પડી જતાં બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ધીરજભાઈ નંદાસણા દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.