ચૂંટણી કાર્ડને આધાર સાથે લિંક કરવા સહિતના ચૂંટણી સુધારાઓ અંગેનું બિલ લોકસભા પછી મંગળવારે રાજ્યસભામાં પણ પસાર થતાં સંસદમાંથી પસાર થઈ ગયું છે. રાજ્યસભામાં વિપક્ષના વિરોધ વચ્ચે આ બિલ ધ્વની મતથી પસાર થઈ ગયું હતું. બીજીબાજુ છોકરીઓ માટે લગ્નની વય વધારીને 21 કરવાના બિલ અંગે કેટલાક સાંસદોના વિરોધ પછી તેને સંસદીય સમિતિને મોકલાયું હતું. દરમિયાન રાજ્યકક્ષાના ગૃહમંત્રી અજય મિશ્રાની હકાલપટ્ટી માટે વિપક્ષે મંગળવારે મોરચો કાઢ્યો હતો.
વિપક્ષના ભારે હોબાળા વચ્ચે મંગળવારે ચૂંટણી કાયદો (સુધારા) બિલ, 2021 રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે આ બિલ કાયદો બની જશે. વિપક્ષે આ બિલમાં હજુ અનેક સુધારાની જરૂર હોવાની સતત માગણી કરી હતી. આ અંગે સરકારે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જોકે, પોતાની માગ પર અડગ રહેતા વિપક્ષે આ બિલને સ્ટેન્ડિંગ સમિતિને મોકલવા જણાવ્યું હતું. જોકે, વિપક્ષના હોબાળા વચ્ચે ધ્વનિમતથી આ બિલ પાસ કરી દેવાયું હતું. આ દરમિયાન વિપક્ષી સાંસદો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. તેમણે સરકાર પર આ વખતે પણ તેમનો અવાજ સાંભળવા માં નહીં આવ્યો હોવાનો આક્ષેપ મૂક્યો હતો.
કોંગ્રેસ, તૃણમૂલ, ડાબેરી પક્ષો, દ્રમુક, એનસીપીએ બિલનો વિરોધ કરતાં ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો જ્યારે ભાજપ, જેડી-યુ, વાયએસઆરસીપી, અન્નાદ્રમુક, બીજેડી અને ટીએમસી-એમે આ બિલનું સમર્થન કરતા કહ્યું કે તેનાથી ચૂંટણી યાદીમાંથી બનાવટી મતદારો અને ડુપ્લિકેટ નામો દૂર કરી શકાશે. કાયદા મંત્રી કિરણ રિજિજુએ આ બિલને સારું ગણાવતા કહ્યું કે, ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડવાથી દેશમાં નકલી અને બોગસ મતદાનનો અંત આવશે અને ચૂંટણી પ્રક્રિયા વિશ્વસનીય બનશે. ચૂંટણી બિલ અંગે વિપક્ષના ભયને આધારહિન ગણાવતા મંત્રીએ જણાવ્યું કે, વિપક્ષ વ્યક્તિગત સ્વતંત્રતા અંગે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું ખોટું અર્થઘટન કરી રહ્યો છે. આ બિલનો વિરોધ કરવાનો કોઈ આધાર નથી. ચૂંટણી સુધારા બિલનું સમર્થન કરનારા નિષ્ણાતોનું કહેવું છે કે લાંબા સમયથી આ અંગે ચર્ચા ચાલી રહી હતી. આ બિલમાં તમામ પ્રકારના ચૂંટણી સુધારાનો સમાવેશ કરાયો છે. દરમિયાન છોકરીઓ માટે લગ્નની વય મર્યાદા 18થી વધારીને 21 કરવા અંગેનું બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરાયું હતું. જોકે, અનેક સાંસદોએ તેને કેટલાક પર્સનલ લોનો ભંગ ગણાવી આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને વધુ સુધારા માટે સંસદીય પેનલ સમક્ષ મોકલવાની માગણી કરી હતી. સૂચિત કાયદા હેઠળ ઈન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ, પારસી મેરેજ અને ડાઈવોર્સ એક્ટ, મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એપ્લિકેશન એક્ટ, ધ સ્પેશિયલ મેરેજ એક્ટ, હિન્દુ મેરેજ એક્ટ અને ફોરેન મેરેજ એક્ટ જેવા સાત પર્સનલ લોમાં સુધારો કરવાની જરૂર પડશે. જોકે, લોકસભામાં બિલ રજૂ કરાયાના થોડાક સમયમાં જ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ બિલ સ્થાયી સમિતિ સમક્ષ મોકલવાની વિનંતી સ્વીકારી લીધી હતી. દરમિયાન લખિમપુર ખેરી હિંસાના કેસમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી અજય મિશ્રાની મંત્રીપદેથી હકાલપટ્ટીની માગણી કરતા વિરોધ પક્ષના નેતાઓએ મોરચો કાઢ્યો હતો. વિપક્ષના નેતાઓએ સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાથી વિજય ચોક સુધી મોરચો કાઢ્યો હતો.