ભાદરવા સુદ-4 થી ગણેશ મહોત્સવની ઉજવણી થાય છે. આજથી જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં વિઘ્નહર્તા દેવ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. વિવિધ મંડળો, સંસ્થાઓએ તેમજ ગણેશભકતોએ ઢોલ-નગારા અને ડી.જે. સાથે વાજતે-ગાજતે ઉત્સાહભેર ગણપતિની સ્થાપના કરી હતી.
હિન્દુ ધર્મમાં કોઇપણ શુભ કાર્ય પૂર્વે ગણપતિજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ખાસ કરીને ભાદરવા સુદ-4 થી 11 દિવસ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી થશે. એક મહિના સુધી શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી થયા બાદ આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ગત બે વર્ષ કોરોના કાળને કારણે સાદગીપૂર્વક તહેવારો ઉજવાયા હતાં. જેમાં ગણેશ મહોત્સવ ઉજવણીમાં પણ અનેક પાબંધીઓ હતી ત્યારે આ વર્ષે કોરોના કેસો ઘટતા તહેવારોની ઉજવણીમાં છૂટછાટ મળતા લોકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે.
દેવાધિદેવ મહાદેવના શ્રાવણ માસની ઉજવણી પૂર્ણ થયા બાદ આજથી છોટીકાશી ગણેશમય બન્યું છે. જામનગર શહેરમાં એક અંદાજ મુજબ 600 થી વધુ સ્થળોએ ગણપતિજીનું સ્થાપન થયું છે. જેમાં દોઢ દિવસથી, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને નવ દિવસ તથા અગિયાર દિવસ ભક્તિ અને આસ્થા મુજબ લોકોએ ગણપતિજીનું સ્થાપન કર્યુ છે. જામનગર શહેરના મુખ્ય માર્ગોની સાથે સાથે શેરી-ગલ્લીઓમાં તેમજ ઘરોમાં પણ ગણેશભકતો દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. આજે સવારથી છોટીકાશી ગણેશમય બન્યું હતું. લોકોએ ઢોરનગારા અને ડી.જે. સાથે દુંદાળાદેવને આવકારી સ્થાપના કરી હતી. ‘ગણપતિ બાપા મોરિયા’ ‘એક દો તીન ચાર ગણપતિ કા જય જય કાર’ સહિતના નાદ સાથે લોકોએ આસ્થાભેર ગણપતિજીની સ્થાપના કરી હતી. ગણપતિજીની સ્થાપના કરી પૂજા-અર્ચના તથા આરતી કરી હતી. આજથી દરરોજ સવારે અને સાંજે ગણેશ પંડાલોમાં આરતી ગુંજી ઉઠશે તેમજ અન્નકોટ દર્શન, સત્યનારાયણની કથા સહિતના આયોજનો થશે.