ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં યુવાનોના વિવિધ પ્રશ્ર્નોને લઈને પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંતર્ગત બીજા ચરણમાં સોમનાથથી સૂઈ ગામ સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આના અનુસંધાને ગત સોમવારથી આ પરિવર્તન યાત્રા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ તથા તેમની ટીમ દ્વારકા ખાતે પહોંચી હતી. જ્યાં સ્થાનિક કાર્યકરોને મળી, રાત્રિ રોકાણ બાદ ગઈકાલે મંગળવાર તા.11 મીના રોજ સવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને દ્વારકાથી રવાના થઈ હતી.
આ પરિવર્તન યાત્રાનું ભાટિયામાં જિલ્લા પંચાયત સદસ્ય લખમણભાઈ તથા અરવિંદભાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગઈકાલે મંગળવારે બપોરે ખંભાળિયામાં રેલીનું આગમન થતાં જિલ્લા યુથ કોંગ્રેસ સંજય આંબલીયા તથા બહોળી સંખ્યામાં યુથ કોંગ્રેસની ટીમ દ્વાર અત્રે મિલન ચાર રસ્તા પાસે આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ યાત્રા બાઈક રેલી સ્વરૂપે ખંભાળિયા શહેરમાં નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.
આ સાથે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જન, પ્રદેશ મહામંત્રી સારાબેન મકવાણા, એભાભાઈ કરમૂર, લખમણભાઈ આંબલીયા, મેરામણભાઈ ગોરિયા, વિગેરે આગેવાનો સાથે યુથ કોંગ્રેસના હોદેદારો જોડાયા હતા.