જામનગર શહેરમાં શંકરટેકરી નેહરુનગર વિસ્તારમાં રહેતા અને એકલવાયા જીવનથી કંટાળીને પ્રૌઢે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગરમાં એસ.ટી. રોડ પર જોલીબંગલા પાસેથી બાઈક પર પસાર થતા પ્રૌઢ અકસ્માતે પડી જતા માથામાં ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી નેહરુનગર શેરી નં.11/એ માં રહેતાં નાગજીભાઇ રામજીભાઈ રાઠોડ (ઉ.વ.53) નામના મજૂરીકામ કરતા પ્રૌઢ ઘણાં સમયથી એકલા રહેતા હતાં અને આ એકલવાયા જીવનથી કંટાળીને બુધવારે સાંજના સમયે તેના ઘરે છતના હુંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આ બનાવ અંગેની કલ્પેશ રાઠોડ દ્વારા જાણ કરાતા હેકો એસ.એચ. જાડેજા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના સમર્પણ સર્કલ પાસે આવેલી અજંતા સોસાયટી રૂમ નં.401 મા રહેતા માલદેભાઈ વિરમભાઈ કેશવાલા (ઉ.વ.55) નામના પ્રૌઢ ગત તા.7 ના રોજ રાત્રિના સમયે એસ ટી રોડ પર જોલ બંગલા પાસેથી તેની બાઈક પર પસાર થતા હતાં ત્યારે અકસ્માતે રોડ પર પડી જતાં માથામાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહરે કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ પોપટભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.કે. ગુસાઈ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના પ્રૌઢે એકલવાયા જીવનથી કંટાળી જિંદગી ટૂંકાવી
શંકરટેકરીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા : એસ.ટી. રોડ પર બાઈક પરથી પડી જતાં પ્રૌઢનું મોત