જામનગર શહેરની જી. જી. હોસ્પિટલમાંથી કેદી જાપ્તા હેઠળ રહેલા આરોપીએ પોલીસકર્મીને ધકો મારી ઢીકાપાટુનો માર મારી, પોતાનુ ગળુ કાપી નાખવાની ધમકી આપી નાશી ગયો હતો. ત્યારબાદ આ નાશી ગયેલા આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે દબોચી લઇ આરોપીને મદદગારી કરનાર શખ્સને પણ ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામના અક્રમ રજાક સંઘાર નામના આરોપીને પોલીસ ધરપકડ કરવાની હોવાની જાણ થતા સોમવારે સવારના સમયે જી. જી. હોસ્પિટલના સર્જીકલ વોર્ડ પાસે સલાયા પોલીસ સ્ટેશનના લોકરક્ષક દળના સિધ્ધાર્થ સોલંકી તથા દેવશીભાઈ નામના કર્મચારીને અક્રમ એ ધકો મારી પછાડી દીધા હતાં અને ઢીકાપાટુનો માર મારી નાશી ગયો હતો. ત્યારબાદ આ બન્ને પોલીસ કર્મચારીઓએ અક્રમનો પીછો કરી રોડ પર ઝડપી લેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં અને અક્રમએ બન્ને પોલીસકર્મચારીઓ સાથે ઝપાઝપી કરી પોતાને છોડાવી લઇ શેરડીના ચિચોડાવાળા પાસેથી લોખંડનું દાતરડુ પોતાના ગળા પર રાખી પોલીસ કર્મીઓને પીછો કરશો તો ‘મારુ ગળુ કાપી નાખીશ’ તેમ ડરાવી નાશી ગયો હતો.
ત્યારબાદ પોલીસ જાપ્તામાંથી નાશી ગયેલા આરોપીને ઝડપી લેવા માટે જામનગર પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પેરોલ ફર્લો સ્કવોર્ડના પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ. ગરચર, એએસઆઈ ગોવિંદ ભરવાડ, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશ સુવા, મેહુલ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરત ડાંગર, પો.કો. મહિપાલ સાદિયા, ધર્મેન્દ્ર વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફે નાશી ગયેલા અક્રમ સંઘારને અને તેને મદદ કરનાર શખ્સ સહિતના બે શખ્સોને દબોચી લઇ સલાયા પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.