ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા રમજાન ઉર્ફે મનન અહમદ સોઢા નામના 47 વર્ષના શખ્સ સામે વર્ષ 2014 માં મીઠાપુર પંથકમાં થયેલા ત્રીપલ મર્ડર કેસમાં આરોપી તરીકે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉપરોક્ત આરોપીને અદાલતે કસૂરવાન ઠેરવી અને આજીવન કેદની સજા ફટકારી હતી. જે સંદર્ભે તેને રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
ઉપરોક્ત શખ્સએ થોડા સમય પૂર્વે વચગાળાના જામીન મેળવી અને 14 દિવસની મુક્તિ આપવામાં આવી હતી. જેનો સમય ગાળો ગત માસમાં પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ તે રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે હાજર થયો ન હતો.
આમ, વચગાળાના જામીનનો ભંગ કરી અને છેલ્લા એકાદ માસથી ફરાર એવો ઉપરોક્ત શખ્સ ઓખા આવ્યો હોવાની બાતમી એલ.સી.બી. વિભાગના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના અજીતભાઈ બારોટ, અરજણભાઈ મારુ તથા બલભદ્રસિંહ પ્રવિણસિંહને મળતા ઉપરોક્ત શખ્સને ગત મોડી સાંજે ઓખા વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો હતો.