ઓખામંડળ સ્થિત જાણીતા નાગેશ્વર મહાદેવના મંદિરે આશરે 14 વર્ષ પૂર્વે થયેલી બે લાખના મુદ્દામાલની ચોરીના પ્રકરણમાં નેપાળના મૂળ રહીશ એવા એક યુવાનને જિલ્લા એલસીબી પોલીસે સુરત ખાતેથી દબોચી લીધો હતો.
આ પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા નજીક આવેલા મીઠાપુર ખાતે સ્થિત સુવિખ્યાત નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં આજથી આશરે 14 વર્ષ પૂર્વે બે લાખના મુદ્દામાલની ચોરી થવા સબબ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા જિલ્લા એલ.સી.બી. વિભાગને સુચના આપવામાં આવતા એલસીબીના પી.આઈ. જેમ.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી રહી હતી.
આ અંતર્ગત એલસીબી વિભાગના પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા સ્ટાફના એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ અને હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અંતર્ગત ચોક્કસ બાતમીના આધારે મૂળ નેપાળના કૈલારી (પશ્ચિમ) વિસ્તારના રહીશ અને હાલ સુરતના કતારગામ વિસ્તારમાં રહી અને એક રેસ્ટોરન્ટમાં રસોઈયા તરીકેની નોકરી કરતા રામપ્રસાદ ઉર્ફે રમુ ગંગારામ જોષી નામના 42 વર્ષના યુવાનને સુરત વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો હતો.
આમ 14 વર્ષ પૂર્વે નાગેશ્વર મંદિરમાં થયેલી ચોરી અંગેના મુખ્ય આરોપીએ આ ચોરી કરી અને નેપાળ ખાતે નાસી ગયા બાદ સુરત આવી અને એક સ્થળે નોકરી મેળવી લીધી હોવાનું એલસીબી પોલીસ સમક્ષ કબુલ્યું હતું. જેથી પોલીસે તેની વિધિવત રીતે ધરપકડ કરી અને વધુ તપાસ અર્થે તેનો કબજો મીઠાપુર પોલીસને સોંપ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ જે.એમ. ચાવડાની સુચના મુજબ પીએસઆઈ એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, સાથે સ્ટાફના સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ભરતભાઈ ચાવડા, દેવશીભાઈ ગોજીયા, કેશુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા અને વિશ્ર્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
મીઠાપુરના નાગેશ્વર મંદિરમાં થયેલી ચોરીનો આરોપી સુરતથી ઝડપાયો
મંદિરમાં બે લાખના મુદ્દામાલની ચોરીના આરોપીને એલસીબી પોલીસે દબોચી લીધો