જામનગર શહેરના ધરારનગરમાં રહેતો શખ્સ સુરેન્દ્રનગરના ચુડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો હોવાથી બેડી મરીન પોલીસે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020 ના ગુનામાં નોંધાયેલ પ્રોહિબીશનનો આરોપી હમીદ ઉર્ફે જીણો જુસબ રૂપિયા નામનો શખ્સ અઢી વર્ષથી નાસતો ફરતો હતો અને હાલ ધરારનગરમાં રહેતો હતો. દરમિયાન આ શખ્સ અંગેની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એલ. ઓડેદરા, એએસઆઈ ફિરોજ દલ, ભરતસિંહ જાડેજા, હેકો જયેશ દલસાણિયા, કમલ ગઢવી, પો.કો. રાહુલ પાણકુટા અને ધર્મેન્દ્રસિંહ જેઠવા સહિતના સ્ટાફે વિભાપરની સીમમાં આવેલા રેલવે ઓવરબ્રિજ પાસેથી હમીદ ઉર્ફે જીણો નામના શખ્સને દબોચી લઇ સુરેન્દ્રનગરના ચુડા પોલીસ સ્ટેશનને સોંપી આપવા તજવીજ હાથ ધરી હતી.