Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ફલાયઓવરનો એ અકસ્માત GETCOને કારણે બન્યો: કોર્પોરેશન

જામનગરના ફલાયઓવરનો એ અકસ્માત GETCOને કારણે બન્યો: કોર્પોરેશન

GETCOના અધિકારીએ આ મુદ્દે બચાવમાં શું કહ્યું ? તે પણ જાણો

- Advertisement -

જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષબ્રિજ સુધી સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફલાયઓવર બની રહ્યો છે. આ સિવિલવર્ક કરોડો રૂપિયાના ખર્ચે આકાર લઇ રહ્યું છે. મહેસાણાની રચના ક્ધસ્ટ્રકશન નામની કંપની આ કામગીરીને અંજામ આપી રહી છે. પરંતુ આટલાં મોટા કામ દરમ્યાન કોર્પોરેશન સહિતની એજન્સીઓએ જે પ્રકારની તકેદારી અને ઝીરો એરરનું વલણ દાખવવું જોઇએ એમાં કયાંક કોઇકની કશીક ચૂક થઇ રહી છે. હજૂ તો કામ શરૂ થયું છે ત્યાં જ આ કામમાં પ્રથમ અકસ્માત નોંધાઇ ચૂકયો છે. સદનસીબે આ અકસ્માત ઘાતક પૂરવાર થયો નથી. જોકે, સ્થળ પર કામ કરી રહેલાં ત્રણ શ્રમિકો દાઝી ગયા હતાં. કામ કરનારાઓની સલામતી મુદ્દે કોઇ પણ પ્રકારની બાંધછોડ તંત્રોએ ન કરવી જોઇએ. કારણ કે, પ્રોજેકટ ગમે તેટલાં કરોડનો હોય, માણસની જીંદગીથી વધુ મહત્વનું કાંઇ જ નથી.

આ અકસ્માત બન્યા પછી અને અકસ્માત અંગે મિડિયામાં ઉહાપોહ મચ્યા પછી, કમિશનર દ્વારા આ કામનું પ્રથમ વખત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેઓએ કામ કરી રહેલી કંપનીને સલામતી અને કામની ગુણવતા અંગે સુચનાઓ આપી હોવાનું જાહેર થયું છે. સલામતી અંગે જે કાંઇ સુચનાઓ આપવામાં આવી છે તે સુચનાઓ રૂટિન પ્રકારની હોવાનું કોર્પોરેશનના વર્તુળો જણાવે છે. આ ઉપરાંત કામની કવોલિટી અંગે કમિશનર દ્વારા કોન્ટ્રાકટરને શું સુચનાઓ આપવામાં આવી છે ? તે અંગે કોર્પોરેશન કશું જણાવવા રસ ધરાવતી નથી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, આવડા મોટા પ્રોજેકટના સ્થળે પ્રોજેકટની વિગતો દર્શાવતું સાઇન બોર્ડ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવ્યું નથી. મહત્વના ફોન નં. ની જાણકારી દર્શાવતું કોઇ બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી. સાત રસ્તા અને વાલ્કેશ્ર્વર નગરી વચ્ચેના વિસ્તારમાં રાત્રીના સમયે અકસ્માતોની શકયતાઓ મોટી હોવા છતાં આ માર્ગ પર હંગામી ધોરણે લાઇટની વ્યવસ્થા કરવામાં આવી નથી.

તાજેતરમાં આ કામ પર જે અકસ્માત સર્જાયો હતો, તે અંગે કોર્પોરેશન એમ કહે છે કે, અમોએ રોડની નીચે આવેલી પાણીની પાઇપલાઇન જેવી અમારી મિલકતો અંગે કોન્ટ્રાકટર પેઢીને જાણ કરેલી છે. સામાન્ય રીતે આ પ્રકારના કામોમાં કોન્ટ્રાકટર નકશાઓ માંગે તો, કોર્પોરેશન નકશાઓ પૂરા પાડે છે. આ ઉપરાંત ટેલિફોન અને વિજળી તથા ગેસ જેવી ચિજોની લાઇનો અંગે કોન્ટ્રાકટરને નકશા સાથેની સંપૂર્ણ વિગતો પૂરી પાડવાની જવાબદારી મુખ્ય એજન્સી મહાનગરપાલિકાની છે. મહાનગરપાલિકાએ આ માર્ગ હેઠળથી પસાર થતી વિજલાઇનો અંગે જેટકોનો સંપર્ક સાધ્યો હતો. જેટકોને વિગતો માટે પત્ર લખ્યો હતો. જેટકોએ આ પત્રનો લેખિત જવાબ આપ્યો નથી. આ અંગે જેટકોનો ખુલ્લાસો એવો છે કે, કોર્પોરેશનના પત્ર બાદ અમોએ કોર્પોરેશન સાથે આ કામ અંગે બેઠક કરી હતી અને જરૂરી ચર્ચાઓ કરી હતી.

કોર્પોરેશને જેટકોને લખેલાં પત્રબાદ, આ માર્ગ હેઠળથી કઇ-કઇ જગ્યાએ વિજલાઇન પસાર થાય છે, તેની જાણકારી કોર્પોરેશન તથા કોન્ટ્રાકટરને આપવા માટે જેટકોના સેક્ધડ અને થર્ડ કેડરના ઇજનરો-અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. જેટકોએ કોન્ટ્રાકટર તથા કોર્પોરેશનને એમ જણાવ્યું હતું કે, આ માર્ગ નીચેથી ફલાણા ફલાણા સ્થળે ત્રણ વિજલાઇન પસાર થાય છે. આ વિગતો પર કોન્ટ્રાકટરે ધ્યાન આપ્યું. પરંતુ જેટકોની ચોથી વિજલાઇન અન્ય એક સ્થળેથી પસાર થતી હતી. તે અંગે જેટકોના અધિકારીઓ અથવા ઇજનેરોએ કોર્પોરેશન તથા કોન્ટ્રાકટરને જાણકારી આપી ન હતી. કદાચ આ અધિકારીઓ આ જાણકારી આપતા ભુલી ગયા હતાં ! આ જવાબદારી કોની છે ? તે પ્રશ્ર્નનો જવાબ મેળવવા માટે જેટકો પોતાના વિભાગમાં કસરત કરી રહ્યું છે. જેટકોએ એમ પણ જણાવ્યું છે કે, કોન્ટ્રાકટરના માણસો વહેલી સવારે અને મોડી રાત્રે ગમે ત્યારે આ સ્થળે કામ શરૂ કરી દેતાં હોય છે. કોઇ પણ સમયે જેટકોના અધિકારીઓ અથવા ઇજનેરોનું સ્થળ પર હાજર રહેવું દરેક કિસ્સામાં શકય નથી હોતું. અકસ્માતના આ કિસ્સામાં ખરેખર શું બન્યું હતું ? તે અંગે જેટકો તપાસ ચલાવી રહ્યું છે. અત્રે એ પણ નોંધનીય છે કે, માર્ગ નીચેથી જે વિજલાઇનને કોન્ટ્રાકટરની ડ્રીલ અડી ગઇ અને અકસ્માત સર્જાયો તે સ્થળ અંગે જેટકોએ કોર્પોરેશન અથવા કોન્ટ્રાકટરને કોઇ જાણકારી આપી ન હતી. એવો આક્ષેપ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.

હાલમાં આ અકસ્માત અંગે કોર્પોરેશનના, જેટકોના અધિકારીઓ તથા કોન્ટ્રાકટરના કર્તાહર્તાઓ બેઠક કરી રહ્યા છે અને વધુ સારું સંકલન કેવી રીતે સાધી શકાય? તે અંગે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. કારણ કે, કામ ખુબ જ મોટું છે. લાંબો સમય ચાલશે. આપણે સૌ આશા રાખીએ કે, આ ફલાયઓવરની હવે પછીની કામગીરી દરમ્યાન કોઇ અકસ્માત ન સર્જાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular