ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામના પાટીયા પાસેથી બાઈક પર પિતરાઇ સાથે જતી યુવતીનું ઈકો કારમાં આવેલા ત્રણ શખ્સોએ બળજબરીથી અપહરણ કરી લઇ જનાર કિશોર સહિત ચાર શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ વધુ એક શખ્સની સંડોવણી ખુલતા તેની શોધખોળ માટે એલસીબીની ટીમે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ ચકચારી અપહરણના બનાવની વિગત મુજબ, બુધવારે સાંજના ચાર વાગ્યાના અરસામાં ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતો નિલેશ મગન બસીયા નામનો યુવાન તેની માસીની દીકરીને બેસાડી ધ્રાંગડા પાટીયા પાસેથી પસાર થતો હતો તે દરમિયાન કિરીટ ગઇચર સહિતના ત્રણ શખ્સો ગ્રે કલરની ઈકો કારમાં આવીને બાઈકમાં પાછળ બેસેલી મહિલાને ખેંચી લઇ બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી નાશી ગયા હતાં. ત્યારબાદ તાત્કાલિક બનાવની જાણ કરાતા જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી નાકાબંધી કરવામાં આવી હતી અને ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એસ.એસ. નિનામા તથા એલસીબી અને એસઓજી તથા ધ્રોલ પોલીસ સ્ટેશન સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી.
દરમિયાન જોડિયા તાલુકાના પીઠડ ગામ નજીકથી પસાર થતી અને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલ જીજે-36-આર-9140 નંબરની ગે્ર કલરની ઈકો કારને એલસીબીની ટીમે આંતરી લીધી હતી અને કારમાંથી મહિલાને મુકત કરાવી કિરીટ દાના ગલચર, પ્રાણજીવન ઉર્ફે ગડો નરભેરામ વડસોલા, મિલન વાલા ટોટા અને એક કિશોર સહિતના ચાર શખ્સોને દબોચી લીધા હતાં તેમજ ચારેયની પૂછપરછ હાથ ધરતા મોરબી જિલ્લાના નાની વાવડી ગામના હસમુખ લખમણ કાનાણી નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે હસમુખની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.