આંધ્રપ્રદેશ સરકારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) માટે 81 સભ્યના બોર્ડનું ગઠન કર્યું છે. આ ટ્રસ્ટ તિરુમાલામાં ભગવાન બાલાજીના મંદિરને ચલાવશે. બોર્ડમાં અધ્યક્ષ ઉપરાંત 24 નિયમિત અને ચાર નિયુક્ત કરેલા સભ્યો સાથે સાથે 52 વિશેષ આમંત્રિતને નામિત કરવામાં આવ્યા છે. ટીટીડી ટ્રસ્ટનું નવું બોર્ડ કેન્દ્રીય મંત્રીમંડળ કરતા પણ મોટુ છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં પીએમ મોદી સહિત 78 સભ્ય છે.
આંધ્રપ્રદેશ સરકારે આ મામલે ત્રણ અલગ અલગ આદેશ જારી કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડનું ગઠન ટીટીડીના સામાજીક, આથિર્ક, ધાર્મિક અને પર્યાવરણીય ચરિત્રને સંરક્ષિત કરવા અને તીર્થયાત્રીઓ અને સામાન્ય જનતાના કલ્યાણના સિદ્ધાંતોના પાલન માટે કરવામાં આવ્યા છે. બોર્ડમાં 52 વિશેષ આમંત્રીતોની નિયુક્તીને યોગ્ય ગણાવતા સરકારે દાવો કર્યો હતો કે ટીટીડી પ્રશાસનનો દાયરો વિકાસ કાર્યો, એન્જિનિયરીંગ, માર્કેટિંગ, મીડિયા અને પ્રકાશન વગેરે ક્ષેત્રમાં ફેલાયેલો છે.
આંધ્રપ્રદેશનું તિરુપતિ મંદિર ભારતનું બીજું સૌથી અમીર મંદિર છે અને દાન પ્રાપ્તીના મામલે દુનિયાનું સૌથી અમીર મંદિર છે. તિરુપતિ મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે. જેઓને વિષ્ણુનો અવતાર માનવામા આવે છે. આ મંદિરની માસિક આવક લગભગ 200-220 કરોડ રૂપિયા છે. 2020ના એક રિપોર્ટ પ્રમાણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ પાસે 9000 કિલો શુદ્ધ સોનુ જમા છે. વધુમાં પુરા દેશમાં 1128 અચલ સંપત્તિ છે જે કુલ મળીને 8,088.89 એકર જમીનમાં ફેલાયેલી છે અને તેમાંથી 223 કૃષિભુમિ છે. આ ઉપરાંત મંદિર પાસે 12000 કરોડથી વધારે રૂપિયા અલગ અલગ બેંકમાં એફડીના રૂપમાં જમા હોવાનું અનુમાન છે.