આજે યોજાઇ રહેલી જીએસટી કાઉન્સિલની બેઠક સુરત સહિત દેશના ટેકસટાઇલ ઉદ્યોગ માટે ખૂબજ મહત્વપૂર્ણ બની રહેશે. કાપડ પર વધારવામાં આવેલો જીએસટી દર ઇન્ડસ્ટ્રીના વિરોધે બદલે પાછો ખેંચાઇ શકે છે. આ દર વધારાને કારણે ટેકસટાઇલ ઉદ્યોગના લાખો કામદારો પર બેકારીનો ખતરો મંડોરાતા દર વધારાનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં ગઇકાલે કાપડના વેપારીઓએ આ મામલે બંધ પણ પાડયો હતો.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની આગેવાની હેઠળ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) કાઉન્સિલની આજે મળી રહેલી બેઠકમાં કેટલાક ક્ષેત્રોમાં ઈન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર પર તથા પ્રધાનોની બે સમિતિ દ્વારા સુપરત કરાયેલા રિપોર્ટસ પર ચર્ચા થવા ધારણાં છે. કાઉન્સિલની ગઈ બેઠકમાં આ બે સમિતિની રચના કરવામાં આવી હતી. વિવિધ રાજ્યોના નાણાપ્રધાનો દ્વારા પણ દર વૃદ્ધિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પશ્ર્ચિમ બંગાળના ભૂતપૂર્વ નાણાપ્રધાન અને હાલમાં નાણાકીય સલાહકાર અમિત મિત્રાએ જણાવ્યું હતું કે દર વધારાના લીધે એક લાખ એકમો બંધ થશે અને 15 લાખ જોબ લોસ થશે. તેલંગણાના ઉદ્યોગપ્રધાન કેટી રાવે પણ દર વધારાનો વિરોધ કર્યો હતો. રાજસ્થાનના પ્રધાને જણાવ્યું હતું કે ભારતનો ટેક્સ્ટાઇલ્સ ઉદ્યોગ બાંગ્લાદેશ સામે સ્પર્ધા કરી રહ્યો છે ત્યારે આ પ્રકારનો દર વધારો અવાંછિત છે. તમિલનાડુના નાણાપ્રધાન પી. થિયાગરાજને પણ દર વધારો પરત ખેંચવો જોઈએ તેમ જણાવ્યું હતું. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ આ પગલું લોકવિરોધી ગણાવી તેને પરત ખેંચવાની માંગ કરી હતી. ટેકસટાઈલ તથા ફૂટવેરના દરોમાં થનારા સૂચિત વધારા સામે ઉદ્યોગ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ હકીકતને ધ્યાનમાં રાખી આ મુદ્દો આજની બેઠકમાં ચર્ચા માટે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ટેકસટાઈલ પરનો જીએસટી પાંચ ટકાથી વધારી 12 ટકા કરાયો છે.
નવા દર 1લી જાન્યુઆરી અમલી બની રહ્યા છે. 17 સપ્ટેમ્બરની બેઠકમાં કાઉન્સિલે ટેકસટાઈલ તથા ફૂટવેરના ઈન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરમાં સુધારો કરવા નિર્ણય કર્યો હતો, આ નિર્ણય 1લી જાન્યુઆરીથી અમલી બનશે. ઈન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરમાં કરેકશન અને દરોને વ્યવહારિક કેવી રીતે બનાવી શકાય તેનું સૂચન કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક સમિતિ આઈટી વ્યવસ્થાની સમીક્ષા કરવા, કરચોરીના શકય માર્ગો તપાસવા તથા વેરા સ્તર વધારવા ડેટા એનાલિસિસ કરવા માટે રચવામાં આવી હતી. આ બન્ને સમિતિઓએ પોતાના રિપોર્ટ કાઉન્સિલને સુપરત કર્યા છે. આ રિપોર્ટસ પર પણ આજે ચર્ચા કરાશે એમ નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.