પ્રારંભિક મુકાબલામાં કારમા પરાજયનો સામનો કરનાર ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા સામે મંગળવારે અહીં રમાનારી બીજી વન-ડે મેચમાં રિધમ હાંસલ કરીને પાંચ મેચની શ્રેણીને સરભર કરવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઊતરશે.
ભારતીય ટીમ 12 મહિનાના લાંબા ગાળા બાદ પ્રથમ સિરીઝ રમી રહી છે અને લાંબા સમય સુધી ગ્રાઉન્ડથી દૂર રહેવાની અસર ખેલાડીઓના પ્રદર્શનમાં દેખાઇ આવી હતી. આફ્રિકન ટીમ વધારે સારી રણનીતિ સાથે રમી રહી છે અને પ્રથમ મેચના દેખાવને જોતાં તેને હરાવવી તે ભારત માટે આસાન રહેશે નહીં. સ્પિનર્સ ભારતનું મજબૂત પાસું માનવામાં આવે છે પરંતુ પ્રથમ મેચમાં એક પણ સ્પિનર આફ્રિકન ખેલાડી લિજેલ તથા 21 વર્ષીય લોરા વોલવાર્ટને પરેશાન કરી શકી નહોતી. બંનેએ પ્રથમ વિકેટ માટે મેચવિનિંગ ભાગીદારી નોંધાવી હતી. ભારત માટે મિતાલીની અડધી સદી તથા અનુભવી પેસ બોલર ઝૂલન ગોસ્વામીનો સારો સ્પેલ સકારાત્મક બાબત રહી હતી. આ બંને ખેલાડીઓ 2019ના નવેમ્બર બાદ પોતાની પ્રથમ મેચ રમી હતી. હરમનપ્રીત કૌરે પોતાની 100મી વન-ડેની સારી શરૂઆત કરી હતી પરંતુ તેણે તેને મોટી ઇનિંગમાં ફેરવવાની જરૂર હતી. મંધાના પાસેથી પણ મોટી ઇનિંગ્સની આશા રાખવામાં આવશે.