ગાંધીનગર પાસેના ગિફ્ટ સિટી લિમિટેડ કંપની પાસે જેટલી મૂડી અને અસ્કયામતો છે તેના કરતાં 1,600 કરોડ રૂપિયા જેટલું વધુ દેવું છે. ગુજરાત વિધાનસભામાં જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને પૂછેલા સવાલ સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અતારાંકિત પ્રશ્ર્નોત્તરીમાં જવાબ આપ્યો હતો.
ખેડાવાલાએ પૂછ્યું હતું કે ગિફ્ટ સિટીમાંથી ILFSનો હિસ્સો ખરીદવા માટે શેરના ભાવ નક્કી કરવા વેલ્યુએશન કરાવાયુું હતું તેના રિપોર્ટમાં ILFSના શેરના ભાવ અને કુલ રકમ નક્કી કઇ કરાઇ હતી. જેના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લેખિતમાં જણાવ્યું કે આ માટે RSBA એડવાઇસર્સે વેલ્યુએશન રિપોર્ટ બનાવ્યો તેમાં ગિફ્ટ સિટી લિમિટેડનો ભાવ નેગેટિવ 1600 કરોડ રૂપિયા છે પણ તેમાં શેરના ભાવની રકમ નક્કી કરાઇ નથી. ગાંધીનગરના ધારાસભ્ય સી જે ચાવડા અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પૂછ્યું હતું કે ગિફ્ટસિટીમાં ILFSના ડેવપલમેન્ટ રાઇટ્સ ખરીદવા માટે ILFSએ ગિફ્ટ સિટીને કેટલાં રૂપિયા ચૂકવવાના છે અને કેટલાં ચૂકવાયાં છે. આ ઉપરાંત ડેવલપમેન્ટ રાઇટ્સ પરત લેવાથી ગિફ્ટસિટીને શું ફાયદો થશે.
જવાબમાં રૂપાણીએ કહ્યું કે ILFSએ ડેવલપમેન્ટ રાઇટ ખરીદવા ગિફ્ટ સિટીને 323.25 કરોડ રૂપિયા ચૂકવ્યાં છે તથા 256.75 કરોડ રૂપિયા બાકી છે. કંપનીએ હવે ગિફ્ટ સિટીને પોતાના રાઇટ્સ પરત કરવા દરખાસ્ત કરી છે તે વિચારણા હેઠળ છે. જ્યારે આ રાઇટ્સ અન્ય ડેવલપરને અપાશે ત્યારે તે સમયે ડેવલપમેન્ટ રાઇટ્સની કિંમત પ્રમાણે ગિફ્ટ સીટીને ફાયદો થશે. આ તરફ ગિફ્ટ સિટીએ થોડા દિવસ પહેલાં ઠરાવ પસાર કરીને જાહેર કર્યું કે હવે કોઇપણ વ્યક્તિ ગિફ્ટ સિટીમાં ઘર ખરીદી શકશે.