કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એ ઉપરાંત ભૂસ્ખલનની ઘટના પણ બની હતી. વરસાદી અકસ્માતોના કારણે 9 લોકોનાં મોત થયા હતા. તે સિવાય ૧૨ જેટલાં લોકો લાપતા બનતા તેમની ભાળ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાહત કામગીરી માટે રાજ્ય સરકારે સૈન્યની મદદ લીધી છે.
કેરળના કોટ્ટાયમ, ઈડુક્કી સહિતના પાંચ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ પડવાથી કોટ્ટાયમ અને ઈડુક્કીમાં પૂરપ્રકોપ સર્જાયો હતો. અસંખ્ય લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. કોટ્ટાયમ જિલ્લામાં 60 લોકો ભયાનક પૂરમાં ફસાઈ ગયા હોવાથી તેમને સલામત રીતે બહાર કાઢવાનું ઓપરેશન હાથ ધરાયું હતું. પઠાનમથિટ્ટા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઈડુક્કી, ત્રિશૂર એમ પાંચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યો છે. તે સિવાયના તિરૃવનંતપુરમ્, કોલ્લમ, અલાપ્પુઝા, પલક્કડ, મલપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડ એમ સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયો છે. માર્ગની વચ્ચોવચ એક બસ પાણીમાં ફસાઈ ગઈ હતી, તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘણાં વિસ્તારોમાં બાઈક-કાર જેવા વાહનો તણાઈ ગયા હોવાનો બનાવો પણ બન્યા હતા.
ભારે વરસાદના કારણે રાજ્યમાં ભૂસ્ખલનની ચાર ઘટનાઓ બની હતી. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં રહેતાં અસંખ્ય લોકોનું સ્થળાંતર કરાયું હતું. કેટલાક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. રાજ્યના દક્ષિણ વિસ્તારોમાં આવેલા સંખ્યાબંધ ગામડાં સંપર્ક વિહોણા બન્યા હતા.
મુખ્યમંત્રી પી. વિજયને કહ્યું હતું કે ઘણાં જિલ્લાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે, પરંતુ તમામને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૃ કરાઈ છે. આર્મી અને એરફોર્સના જવાનોની મદદ મળી ગઈ હોવાથી સ્થિતિ હવે કાબૂમાં છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે કેરળમાં વરસાદ ખાબક્યો છે. હજુ પણ એક-બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.