જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળાના ટેન્ડરો ગઇકાલે ખોલવામાં આવ્યા હતાં. તંત્રને રૂા. 1 કરોડની અપસેટ પ્રાઇઝ સામે રૂા. 3.01 કરોડની આવક થઇ છે. જે ગતવર્ષ કરતાં ડબલણી પણ વધુ છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. 21 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી પ્રદર્શન મેદાન અને રંગમતિ-નાગમતિ નદીના પટ્ટમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં નિર્ણય કરાયો છે. આ શ્રાવણી મેળા માટે ટેન્ડર મગાવવામાં આવ્યા હતાં. જે ટેન્ડરો ગઇકાલે એસ્ટેટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઇ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિનભાઇ દિક્ષીત સહિતના સ્ટાફ દ્વારા ધંધાર્થીઓની ઉપસ્થિતિમાં ટેન્ડર ખોલવામાં આવ્યા હતાં. મેળા માટે કુલ 401 ટેન્ડર ફોર્મ ગયા હતાં. જે પૈકી 183 ટેન્ડર ફોર્મ ભરાઇને આવ્યા હતાં. જેને ગઇકાલે ખોલવામાં આવતાં તંત્રને કુલ 3.01 કરોડની આવક થઇ હતી.
ગઇકાલે ખોલવામાં આવેલા મેળાના ટેન્ડરમાં મશીન મનોરંજનના 10 પ્લોટ પેટે રૂા. 60.09 લાખની અપસેટ કિંમત સામે રૂા. 1.89 કરોડ, બાળકોની રાઇડસના 10 પ્લોટ પેટે રૂા. 12.35 લાખની અપસેટ પ્રાઇઝ સામે રૂા. 40.25 લાખ, ખાણીપીણીના આઠ પ્લોટની અપસેટ પ્રાઇઝ 4.97 લાખ સામે રૂા. 10.06 લાખ, હાથથી ચાલતી ચકરડીના 13 પ્લોટ માટે રૂા. 3.89 લાખની અપસેટ પ્રાઇઝ સામે રૂા. 20.40 લાખ, પોપકોર્નના સાત પ્લોટોની રૂા. 67 હજારની અપસેટ પ્રાઇઝ સામે રૂા. 4.70 લાખ, રમકડાના આઠ પ્લોટની રૂા. 11.45 લાખની અપસેટ પ્રાઇઝ સામે રૂા. 24.70 લાખની આવક થવા પામી છે. તેમજ રંગમતિ નદીના પટ્ટના મેળાનું રૂા. 2 લાખનું ટેન્ડર રૂા. 2.37 લાખમાં ગયું છે.
તંત્રને આટલી જંગી આવક થઇ છે. જ્યારે આ ધંધાર્થીઓએ વધારાના નાણા ચૂકવ્યા છે. જે પ્રજા પાસેથી ખંખેરશે નહીં અને ભાવમાં લૂંટ ચલાવશે નહીં તે માટે તંત્ર નિયંત્રણ રાખી શકશે કે, નહીં? તે મોટો સવાલ છે.