બે દિવસના હવામાન પલ્ટા બાદ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર ફરીથી શરૂ થયો છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે. જામનગરમાં આ સિઝનમાં ફરી એક વખત તાપમાનનો પારો 40 ડીગ્રી એ પહોચી ગયો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી રહી શકે છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રુમના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 40.0 ડિગ્રી, લઘુતમ તાપમાન 26.0 ડીગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 ટકા રહ્યું હતું. જામનગરમાં અ સિઝનમાં બીજી વખત મહત્તમ તાપમાનનો પારો 40 ડીગ્રી સુધી પહોચી જતા લોકો અકળાઈ ઉઠ્યા હતા. સૂર્યનારાયણ ના આકરા મિજાજથી લોકો પરેશાન થયા હતા. બપોરના સમયે આકરો તાપ અને લુ થી માર્ગો સુમસામ બન્યા હતા. હવામાન ખાતા મુજબ હવે ફરી ગરમીનો દૌર શરુ થશે અને સૌરાષ્ટ્રના કેટલાંક ગામોમાં ચાર દિવસ સુધી આકરો તાપ રહેશે.
હવામાન વિભાગ મુજબ, આગામી 28મી એપ્રિલ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમરેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં કો-મોર્બિડ લોકો, વૃદ્ધો તથા નાના બાળકોને તડકામાં બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે, તથા લોકોને લાઈટ કલરના અને લૂઝ કોટનના કપડા પહેરવા અને બપોરના સમયે બહાર જતા માથાના ભાગને કવર કરવા કહેવાયું છે.
બહારગામથી આવતા લોકોને પણ ખરીદી કરવામાં ભારે મુશ્કેલી પડે છે, બપોરે ૧૨ થી ૪ દરમ્યાન આકાશમાંથી રિતસર લૂ ઝરે છે અને આ આકરા તાપને કારણે લોકો ભારે પરેશાન થઇ ગયા છે. ગામડાંના જનજીવન ઉપર આકરા તાપની ભારે અસર થઈ છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે મોટાભાગના વિસ્તારમાં તાપમાન ઘટી ગયું હતુ. સતત બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર ઘટતાં નાગરિકોએ રાહત અનુભવી હતી. પરંતુ ફરી તાપમાન ઉચકાતાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. ગોલા, કુલ્ફી, આઇસ્ક્રીમ, સરબત, લીંબુ પાણી સહીતની ચીજવસ્તુઓનું વેંચાણ વધી ગયું છે. નિષ્ણાંત ડોક્ટરોએ સલાહ આપતાં જણાવ્યું હતું કે આવી અસહ્ય ગરમી અને લૂ વાય તેવા માહોલમાં થોડા થોડા સમયે પાણી પીવું, છાશ-લસ્સી સહિત એકાદ શક્તિદાયક પીણું પીવું, માથા પર ટોપી પહેરવી, શક્ય હોય તો ગોગલ્સ પહેરવાં અને હળવાં વસ્ત્રો પહેરવાં વગેરે જેવી સાવચેતી રાખવી જરૂરી છે