ખંભાળિયા તાલુકાના સલાયામાં રહેતાં તરૂણે બુધવારે અગમ્યકારણોસર તેના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. ખંભાળિયા તાલુકાના વડત્રા ગામમાં રહેતો યુવાન તેના ઘરે નિંદ્રાધિન હતો તે દરમિયાન બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા કરીમભાઈ હારૂનભાઈ ભાયા નામના આધેડના પુત્ર યાસીન ભાયા (ઉ.વ.12) નામના તરૂણએ બુધવારે કોઈ અકળ કારણોસર તેના ઘરે રૂમમાં રહેલા પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતક યાસીનના પિતા કરીમભાઈ ભાયાએ સલાયા મરીન પોલીસને કરી હતી. જેના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ તરૂણના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આશાસ્પદ બાળકના અકાળે અવસાનથી મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
બીજો બનાવ, ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા જુવાનસંગ દાજીભાઈ ચુડાસમા (ઉ.વ.44) નામના યુવાન બુધવારે તેમના ઘરે સુતા હતા ત્યાર બાદ તેમના પરિવારજનો તેમને જગાડવા જતા તેઓ જાગ્યા ન હતા અને મૂર્છિત અવસ્થામાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ બ્રિજરાજસિંહ રામસંગજી ચુડાસમાએ ખંભાળિયા પોલીસને કરી હતી જેના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.