ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મોટું નિવેદન આપ્યું છે. સીઆર પાટીલે જણાવ્યું કે, ગુજરાતની તમામ 182 બેઠકો પર ભાજપ જોતે તેવો લક્ષ્યાંક છે, ત્યારે આપણી પાસે સવા વર્ષનો સમય છે. જે દરમિયાન ખૂબ જ મહેનત કરવાની છે.
સીઆર પાટીલે ચૂંટણીલક્ષી અને ચૂંટણીમાં જીતવા અંગે કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું કે, એક વર્ષથી પાર્ટીએ નક્કી કર્યું છે કે, સહકારી ક્ષેત્રની તમામ ચૂંટણીઓ આપણે લડવાની છે. મેન્ડેટના આધારે આપણે આ ચૂંટણી લડીશું અને જીતવા માટે લડવું જ જોઈએ. ના માત્ર પોતાની જીત માટે, પરંતુ કોઈ કાર્યકર્તાને કોઈ નેતાને જીતાડવા માટે કોઈ જવાબદારી સોંપવામાં આવે, તો પણ તમામે સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. ચૂંટણી જીતવા માટે સવા વર્ષનો સમય છે, ત્યારે આપણે ખૂબ જ મહેનત કરવાની છે.
આ સાથે જ સીઆર પાટીલે સોશિયલ મીડિયામાં નિષ્ક્રિય રહેતા નેતાઓને ટકોર કરતા જણાવ્યું કે, હજુ પણ કેટલાક નેતાઓ એવા છે, જેઓના સોશિયલ મીડિયામાં એકાઉન્ટ નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મને પુછ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શું લક્ષ્યાંક છે? ત્યારે મેં જવાબમાં તમામ 182 બેઠકો જીતવાનું જણાવ્યું છે. આ સાથે જ પાટીલે પેજ કમિટી અને પેજ પ્રમુખ સહિત નેતાઓ અને સભ્યોને સક્રિય કરવાનો આદેશ આપ્યો છે.
રાજ્યની તમામ 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક : પાટિલ
પેજ પ્રમુખ સહિતના નેતાઓને સક્રિય કરવાનો આપ્યો આદેશ