રાજ્યભરની તમામ કોલેજોમાં બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ શિક્ષણ શરૂ કરવા શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને આદેશ કર્યો છે. જેની જાણ થતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી ફરી વળી છે. વિભાગે ઓનલાઈન શિક્ષણ પણ સાથે સાથે ચાલુ રાખવા તાકીદ કરી છે. આગામી સમયમાં તમામ વર્ષોનું ક્લાસરૂમ શિક્ષણ રાબેતા મુજબ શરૂ થઈ જશે.
કોરોનાના કારણે લોકડાઉન સમયથી એટલે કે ગત માર્ચ માસથી શિક્ષણ બંધ હતું. જે હવે ધીમે ધીમે ખૂલી રહ્યું છે. સૌપ્રથમ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ક્લાસરૂમ શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કોલેજ આવવાની છૂટ આપવામાં આવી હતી. જો કે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને છૂટ મળી નહોતી. શિક્ષણ વિભાગે ગત 3 માર્ચથી પરિપત્ર કરીને ખાનગી કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓને કોલેજના ઈન્ટરમીડિયેટ એટલે કે બીજા અને ત્રીજા વર્ષના વર્ગોમાં ભૌતિક શિક્ષણ શરૂ કરવા મંજૂરી આપી દીધી છે. એસોસીએશન ઓફ સેલ્ફ ફાઈનાન્સ કોલેજીસે પણ આવેદન પાઠવીને માગણી કરી હતી તેના પગલે વિભાગે વર્ગો શરૂ કરવા છૂટ આપી છે.
વિભાગે પરિપત્રમાં કહ્યું કે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ શિક્ષણ શરૂ કરવા માટે ક્લાસરૂમ અને લેબ રૂમમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. હોસ્ટેલના રૂમમાં વધુમાં વધુ બે વિદ્યાર્થીઓને જ રાખી શકાશે. કોરોનાની ગાઈડલાઈનનું પણ ચુસ્તતાપૂર્વક પાલન કરવું પડશે. જે વિદ્યાર્થીઓ કોરોનાની પરિસ્થિતિ કે અન્ય કારણોસર ક્લાસરૂમ શિક્ષણ માટે આવી શકે તેમ ના હોય તેમના માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે. જે તે ખાનગી યુનિવર્સિટી અને ખાનગી કોલેજોએ આ સૂચનાને અનુસરીને ક્લાસરૂમ શિક્ષણ શરૂ કરવા અંગે પોતાની કક્ષાએથી નિર્ણય કરવાનો રહેશે અને શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાણ શિક્ષણ વિભાગને કરવાની રહેશે.