જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં પરીક્ષા ચોરી કેસમાં ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ આ ઘટના વધુ ગંભીર બનતી જઇ રહી છે. મળતી માહિતી અનુસાર આગળની તા. 11 સુધીમાં આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા કોઇ નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે અને આ ઘટનાને લઇ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજની બીકોમની માન્યતા રદ્ કરવામાં આવી શકે છે. તેવી સંભાવના પણ સામે આવી રહી છે.
જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં બીકોમની પરીક્ષા દરમિયાન પરીક્ષામાં ચોરી થતી હોવાની ઘટના સામે આવતાં શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ ટીમ મોકલી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આ ઘટનાને લઇ એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ છે. જે જામનગર શહેરમાં ચર્ચાસ્પદ બની છે. સ્ટિંગ ઓપરેશન બાદની આ ઓડિયો ક્લિપથી ખળભળાટ મચી ગયો છે. જ્યારે યુનિવર્સિટીની તપાસ ટીમ દ્વારા ત્રણ વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરી સમગ્ર ઘટનાનો રિપોર્ટ તૈયાર કરાયો છે.
આ પરીક્ષા ચોરીની સમગ્ર ઘટનાનો યુનિવર્સિટીની ટીમ દ્વારા તપાસ રિપોર્ટ રજૂ થયા બાદ આ સમગ્ર ઘટના અંગે તા. 11 મે સુધીમાં કડક પગલાં લેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઇ યુનિ. દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજની બીકોમની માન્યતા રદ્ કરવામાં આવનાર હોવાની સંભાવના પણ સામે આવી રહી છે. ત્યારે સમગ્ર મામલે શું નિર્ણય આવે છે તે આગામી દિવસોમાં જોવું રહ્યું.