મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત ની શરૂઆત તા. 24 એપ્રિલ 2003 થી થઈ હતી. આ કાર્યક્રમને એપ્રિલમાં વીસ વર્ષ પુર્ણ થાય છે. જે નિમિત્તે સરકાર દ્વારા એપ્રિલ માસના ચોથા સપ્તાહને તા. 29 એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહ ઉજવવાનુ નક્કી કરાયું છે. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, સ્વાગત સપ્તાહનો અવેરનેશ કાર્યક્રમ તથા ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત કે જિલ્લા સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 15 એપ્રિલના રોજ પંચાયત વિભાગના સંકલનમાં રહી બાઈસેગ-સેટકોમ દ્વારા તલાટી-કમ-મંત્રી, સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યોને તાલીમ આપવામાં આવશે.
તા. 17 સુધી ગ્રામ સ્વાગત માટેના પ્રશ્ર્નો સ્વીકારવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દ્વારકા તાલુકામાં વરવાળા, ચરકલા અને ગોરીયારી ખાતે, કલ્યાણપુર તાલુકામાં નંદાણા, ભાટીયા, રાણ, કલ્યાણપુર, ઘતુરીયા, લાંબા, ભોગાત ખાતે, ખંભાળિયા તાલુકામાં બજાણા, ભાડથર, શક્તિનગર, ઉગમણા બારા, વડત્રા, ઘરમપુર, હર્ષદપુર, વાડીનાર ખાતે તેમજ ભાણવડ તાલુકામાં ઢેબર, મોટા કાલાવડ, સણખલા અને વેરાડ ખાતે આયોજન કરવામાં આવ્યા છે. જેમાં ગ્રામજનો પોતાના પ્રશ્ર્નો રજુ કરી શકશે.
તા. 24 થી તા. 26 એપ્રિલ દરમિયાન તાલુકા સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 27 ના રોજ જિલ્લા સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે. નિવાસી અધિક કલેકટર દ્વારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લાના મામલતદાર, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી વિગેરે જોડાયા હતા.