જામનગર મહાનગરપાલિકા સૌ પ્રથમ વખત જામનગરમાં સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન કરી રહી છે. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજીત આ સ્વદેશી મેળો આજ તા.17 સુધી સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. આજે બપોરે મેયર સહિતના મહાનુભાવો દ્વારા આ સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ અંગે યોજાયેલ પત્રકાર પરીષદમાં કમિશનર દ્વારા સમગ્ર આયોજન અંગે માહિતી આપી હતી.
રાજય સરકાર દ્વારા વર્ષ-2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટીફેક્ટસ, ક્રાફ્ટ્સ તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ વોકલ ફોર લોકલ વિભાવનાને પ્રાધાન્ય આપવાના હેતુસર રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ) નું આજે તા.10-10-2025 થી તા.17-10-2025 સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જામનગર મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીના અધ્યક્ષ સ્થાને જામનગર મહાનગર પાલિકાના સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોપીંગ ફેસ્ટીવલ દૈનિક સવારે 10:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. સ્વદેશી મેળા માટે 90 ફૂટ ડ 195 ફૂટનો ડોમ તૈયાર કરાવવામાં આવેલ છે.સરકાર દ્વારા સ્વ-સહાય જૂથના જુદા-જુદા 44 PMJY યોજના હેઠળના લાભાર્થીઓને તેમજ હેન્ડીક્રાફટ આઈટમના સ્ટોલ માટે 11 લાભાર્થીઓને વિનામૂલ્યે સ્ટોલ ફાળવણી કરવામાં આવેલ છે. આ ઉપરાંત સ્વદેશી મેળાનો લાભ PM સ્વનીધી યોજનાના જુદા-જુદા 24 લાભાર્થીઓને પણ લાભ મળે તે માટે સ્વદેશી મેળા સાથે ફૂડ સ્ટોલ પણ વિનામૂલ્યે ફાળવવામાં આવેલ છે.
શહેરના મહતમ નાગરિકોને વિકાસયાત્રામાં ભાગીદાર બનાવવા સ્વદેશી મેળા દરમ્યાન દૈનિક રાત્રે 8-00 થી 10-00 કલાક સુધી જુદા-જુદા ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્વદેશી વસ્તુઓ તેમજ શોપિંગ ફેસ્ટીવલની મુલાકાત લેવા કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પત્રકાર પરિષદમાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશ જાની ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્વદેશી મેળાનું મેયર વિનોદભાઇ ખીમસૂર્યાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર (દક્ષિણ) વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, કમિશનર ડી. એન. મોદી, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોષી, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, કોર્પોરેટરો અરવિંદભાઇ સભાયા, જયેન્દ્રસિંહ ઝાલા, ગોપાલભાઇ સોરઠિયા, કિશનભાઇ માડમ, ડિમ્પલબેન રાવલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ આ સ્વદેશી મેળાના વિવિધ સ્ટોલની પણ મુલાકાત લીધી હતી.
દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ : સાંઇરામ દવે સહિતના કલાકારો મનોરંજન પીરસશે
આ સ્વદેશી મેળા દરમિયાન લોકોના મનોરંજન માટે દરરોજ રાત્રીના 8 થી 10 દરમિયાન જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.10ના લોક સાહિત્ય તથા લોકનૃત્ય, મણીયારો રાસ, ઢાલ તલવાર રાસ, દાંડીયા રાસ, કાપડી રાસ, તા.11ના ગુજરાતી જલસો ગાયક જયેશ દવે, વિના ગજ્જર સંગીત રાજરાણા, તા.12 ઓકટોબરના લોક સાહિત્ય તથા લોકનૃત્ય, હુડો રાસ, કાનુડો રાસ, મંજીરા રાસ, દાંડીયા રાસ, તા.13ના ઇન્ડોવેસ્ટર્ન ઇન્સ્ટુમેન્ટ્રલ ફયુઝલ બેન્ડ, તા.14ના લોક સાહિત્ય તથા લોકનૃત્ય, ઢાલ તલવાર રાસ, મણીયારો રાસ, અઠંગો રાસ, દાંડીયા રાસ, તા.15 ઓકટોબરના દેશી ભકિત ગીત હમ હિન્દુસ્તાની થીમ ગાયક મેઘના ગાંગુલી તથા વર્ષીકા કણજારીયા, તા.16ના લોક સાહિત્ય તથા લોકનૃત્ય, પ્રાચીન ગરબો, મીશ્ર રાસ, તાલીરાસ, હુડો રાસ તથા તા.17ના સાહિત્યકાર તથા હાસ્યકલાકાર સાઇરામ દવેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.


