ધારાસભ્ય હેમંત ખવા દ્વારા લાલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઈઝ મુલાકાત લઇ હોસ્પિટલમાં ખૂટતી સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી તેમજ દર્દીઓની સારસંભાળ પછી હતી.
ગત તા.23-11-2023 ના રોજ લાલપુર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. આ તકે તેમણે ડોકટરોને સાથે રાખી દાખલ દર્દીઓની સારસંભાળ પૂછી હતી. ત્યારબાદ હોસ્પિટલની ટીમની મુલાકાત લઇ હોસ્પિટલમાં ખૂટતી સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. જેમાં હાલ હોસ્પિટલના ડાયાલિસીસ વિભાગમાં જનરેટરની ઘટ ઉપરાંત ડીજીટલ એકસરે મશિન, લેબનું બાયો કેમેસ્ટ્રી મશીન જેવા સાધનોની ઘટ અંગે ડોકટરોની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
આ અગા. પણ ચૂંટાઈને આવ્યા બાદ હેમંતભાઈ ખવા દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. જે દરમિયાન તેમને હોસ્પિટલમાં ઓકસીજન પ્લાન્ટનું ઈન્સ્ટોલેશન, પાણીની મોટર તેમજ પાણી માટેના આર.ઓ. પ્લાન્ટના કામો માટેના સૂચનો મળ્યા હતાં. ધારાસભ્યની રજૂઆતના પગલે હાલ આ તમામ સાધનો કાર્યરત થઈ ગયા છે.
હાલ હોસ્પિટલમાં તબીબી અધિકારી વર્ગ-2, ફાર્માસિસ્ટ, વોર્ડ આયા અને વોર્ડ સર્વન્ટની ઘટ છે જે બાબતે ધારાસભ્ય દ્વારા અગાઉ તા.18-1-2023 ના પત્ર દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી. ત્યારબાદ ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઇ પણ આ બાબતે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે તેમ છતાં સરકાર દ્વારા હાલ સુધી કોઇ નકકર પગલાં લેવામાં આવ્યા નથી. હાલ લાલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી અધિકારી વર્ગ-2 ની મંજૂર ત્રણ જગ્યાઓનાા મહેકમ સામે માત્ર એકજ જગ્યા ભરેલ છે. આ પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, લોકોના આરોગ્યની સરકારને કોઇ જ ખેવના નથી.
આથી આવનાર દિવસોમાં સ્ટાફની ઘટ બાબતે તેમજ હોસ્પિટલમાં ઘટતી સુવિધાઓ અંગે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી વહેલામાં વહેલી તકે સુવિધાઓ અને સ્ટાફ પૂરો પાડી શકાય તેવા પ્રયત્ન કરીશું તેવું તેમની લાલપુર કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.