ભારત સરકાર દ્વારા રાજયના સુરત શહેરના સૌથી સ્માર્ટ શહેર જાહેર કરવામાં આવ્યું છે. દેશના 100 સ્માર્ટ સિટીના જાહેર થયેલાં રેન્કિંગમાં સુરતનો ક્રમાંક પ્રથમ થયો છે. અમદાવાદ શહેર 4 થા સ્થાને રહ્યું છે. તો કલાનગરી તરીકે ઓળખાતું વડોદરા શહેર રેન્કિંગમાં 6ઠ્ઠા સ્થાનેથી ગબડીને 20માં સ્થાને પહોંચી ગયું છે. મધ્યપ્રદેશનું ભોપાલ શહેર બીજા સ્થાને તો ઇન્દોર ત્રીજા સ્થાને રહ્યું છે. જયારે પાંચમો ક્રમાંક ઉત્તરપ્રદેશના આગ્રાને મળ્યો છે.
વડોદરા શહેરમાં ઠેર-ઠેર ખોદી નાખેલા ખાડાઓ, પાણીની બારેમાસ સર્જાતી સમસ્યા, ગંદકી, ડ્રેનેજની સમસ્યા સહિતના અનેકવિધ કારણોને કારણે સ્માર્ટ સિટીના રેન્કિંગમાં વડોદરા પહેલા કરતા ઘણુ પાછળ ધકેલાઈ ગયુ હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. ભારત સરકારે સ્માર્ટ સિટીનુ રેન્કિંગ જાહેર કરતા ગયા વર્ષે છઠ્ઠા ક્રમે રહેલુ વડોદરા આ વખતે 20મા ક્રમે આવ્યુ છે. 100 સ્માર્ટ સિટી પૈકી સુરત પહેલા ક્રમે અને અમદાવાદ ચોથા ક્રમે આવ્યુ છે ત્યારે ભારત સરકારે આ રેન્કિંગ થકી વડોદરા મ્યુુનિ. કોર્પોરેશનને શહેરના વિકાસનો અરીસો બતાવી દીધો છે. વિવિધ શહેરો વચ્ચે વિકાસની સ્પર્ધા થાય તે માટે ભારત સરકારે વર્ષ 2017માં દેશમાં 100 સ્માર્ટ સિટીની યાદી બનાવી હતી. જેમાં વડોદરાનો પણ સમાવેશ કરાયો હતો. શહેરમાં પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતની માળખાકિય સુવિધાઓની સાથે વિવિધ મોટા મોટા પ્રોજેક્ટ પણ હાથ ધરીને શહેરને વિકાસની એક નવી ઉંચાઈ સુધી લઈ જવાનો મુખ્ય હેતુ આ પ્રોજેક્ટમાં રહેલો છે.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશને સ્માર્ટ સિટી અંતર્ગત 54 પ્રોજેક્ટ હાથ ધર્યા હતાં. જોકે, શરૂઆતના તબક્કામાં લીધેલા પ્રોજેક્ટો પૈકીના કેટલાક પ્રોજેક્ટ વાયેબલ એટલે કે થઈ શકે તેમ નહીં હોવાથી કાઢી નખાયા હતા. જોકે, 54 પૈકીના 35 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે જ્યારે 16 પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ ચાલી રહ્યાં છે જ્યારે બાકીના 03 પ્રોજેક્ટ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે. દેશની 100 સ્માર્ટ સિટી વચ્ચે દર વર્ષે વિકાસ સંદર્ભે હરીફાઈ થાય તે હેતુસર રેન્કિંગ કરાય છે.
ભારત સરકાર દરેક સ્માર્ટ સિટીના કામો અને વિકાસ જોઈને રેન્ક આપતી હોય છે. ગયા વર્ષે વડોદરાનો 100 સ્માર્ટ સિટી પૈકીનો 6ઠ્ઠો ક્રમાંક આવ્યો હતો. જોકે, આ વખતે ભારત સરકારે જારી કરેલી રેન્કિંગની યાદી વડોદરા માટે નિરાશાજનક રહી હતી. આપણા જ ગુજરાતનુ સુરત દેશની 100 સ્માર્ટ સિટી પૈકી પહેલા રેન્ક પર આવી હતી. જ્યારે અમદાવાદ 4થા રેન્ક પર આવ્યુ હતુ. જ્યારે વડોદરા જે ગયા વર્ષે છઠ્ઠા ક્રમે હતુ તે આ વખતે 20મા ક્રમે ધકેલાઈ ગયુ હતુ. જેમ જેમ સમય વીતે છે અને શહેરમાં વિકાસના કામો થતા હોય તો રેન્ક વધીને આગળ આવવો જોઈએ તેના બદલે વડોદરા શહેર છઠ્ઠા ક્રમેથી ફેંકાઈને 20મા ક્રમે પહોંચી જતા વડોદરાના તંત્રની કામગીરી અને શહેરના વિકાસ સામે સવાલો ઊભા થવા લાગ્યા છે.
સુરત દેશનું સૌથી સ્માર્ટ સિટી
અમદાવાદ રેન્કિંગમાં ચોથા સ્થાને જયારે વડોદરા છઠ્ઠા સ્થાનેથી વીસમા સ્થાને ધકેલાયું : ભોપાલ બીજા અને ઇન્દોર ત્રીજા સ્થાને