જામનગરમાં 1 જાન્યુઆરી,2023ના કુવરબાઈ જૈન ધર્મશાળા ખાતે ગ્રભોપનિષદ ફાઉન્ડેશન દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, આર્યુવેદ વ્યાસપીઠ અને ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે “સુપ્રજા -2023” દ્વિતીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો.
આર્યુવેદના કાશી ગણાતા જામનગરના આંગણે “સુપ્રજા -2023” રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં બે સેશનમાં જુદા જુદા 170 જેટલા આયુર્વેદના સ્નાતકો, અનુસ્નાતકો, પ્રેક્ટિસનર્સ અને તબીબી ક્ષેત્રે આર્યુવેદનું અધ્યયન કરતાં લોકો જોડાયા હતા. “સુપ્રજા -2023” સેમિનારનું જામનગરના મેયર બીનાબેન કોઠારી, આઈ.ટી.આર.એ.ના ડાયરેક્ટર ડો. અનુપ ઠાકર, આયુર્વેદ વ્યાસપીઠ નાગપુરના વૈદ્ય મૃણાલ નામદાર, ગ્રભોપનિષદ ફાઉન્ડેશનના ડો.હિતેશ જાની, જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. દીપક પાંડે, આયુર્વેદ વ્યાસપીઠ ગુજરાતના વૈદ્ય પ્રજ્ઞાબેન, વૈદ્ય ભાર્ગવભાઈ, આયુર્વેદ વ્યાસપીઠ સૌરાષ્ટ્રના વૈદ્ય મેહુલ જોષી, વૈદ્ય મિલન ભટ્ટ, વૈદ્ય વિજય તેલંગ, વૈદ્ય મિત ફળદુ, “સુપ્રજા -2023″ના ચેરમેન ડો. દર્શનાબેન પંડ્યા, ગ્રભોપનિષદ ફાઉન્ડેશનના ડો. કરિશ્માબેન નારવાણી સહિતના મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય વડે પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારીએ આર્યુવેદ થકી ઉચ્ચકોટીના સંતાનો કેવી રીતે પ્રાપ્ત થાય તે માટે આ પ્રકારના સેમિનારો હવે લોક જાગૃતિ માટે આવશ્યક બન્યા છે. તેવું જણાવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
“સુપ્રજા -2023” સેમિનારમાં જામનગર ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી 170 જેટલા ફેકલ્ટીઓ રિસર્ચ પેપર સાથે આવ્યા હતા અને પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા.
સેમિનાર દરમિયાન મુખ્ય વક્તા સાઇન્ટીસ્ટ વૈદ્ય ગીરીશજી ટીલુ દ્વારા સાયન્ટિફિક અને આર્યુવેદના સમનવ્ય થી સારી પ્રજાતિના બાળકો કેવી રીતે આવી શકે તે માટે રિસર્ચ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ‘સુપ્રજા -2023’ સેમિનારના આયોજન માટે છેલ્લા એક મહિનાથી 9 જેટલી ટીમો દ્વારા 50 અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.