Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખની ઓફિસ અને કારમાં તોડફોડ

જામનગરમાં સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખની ઓફિસ અને કારમાં તોડફોડ

ચાર શખ્સોએ કારના કાચ અને ઓફિસના દરવાજામાં ધોકા અને પાઈપ વડે તોડફોડ કરી : સામાપક્ષે મસીતિયાના યુવાન ઉપર છ શખ્સો દ્વારા હુમલો કરી ધમકી આપી : પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી

- Advertisement -

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખની ઓફિસ તેમજ કારમાં ત્રણ થી ચાર જેટલા શખ્સોએ તોડફોડ કરી કાચ તોડી નાખ્યા હતાં. સામાપક્ષે આ બનાવમાં મસીતિયાના યુવાને પાંચ માસ પહેલાંની રૂપિયાની લેતી દેતી મામલે છ શખ્સોએ આવીને તલવાર, પાઇપ, હોકી વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે સામસામી બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ જુમાભાઈ દોસમામદ ખફીની ઓફિસમાં બુધવારે સાંજના સમયે અયુબ દોસમામદ, હાજી અયુબ, હાજી ખફી અને શિવો નામના ચાર શખ્સોએ એકસંપ કરી ઓફિસમાં ધોકા તથા લોખંડના પાઈપ વડે ધસી આવી ખુરશીમાં તથા કાચના દરવાજામાં તોડફોડ કરી હતી. ઉપરાંત બહાર પાર્ક કરેલી જીજે-10-બીઈ-5131 નંબરની બલેનો કારમાં કાચ તથા બમ્પર તોડી નાખી રૂા.40 હજારનું નુકસાન પહોંચાડયું હતું. આ અંગેની જાણ કરાતા એએસઆઈ ડી.એસ.પાંડોર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જુમાભાઈના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે સામાપક્ષે મસીતિયામાં રહેતાં હાજીભાઈ હમીરભાઈ ખફીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરીફ જુમાભાઈ ખફી સાથે પાંચ મહિના પહેલાં રૂપિયાની લેતી દેતીનો હિસાબ પૂરો થઈ ગયો હોવા છતાં આરીફ દ્વારા વધુ રૂપિયાની ઉઘરાણી કરી આરીફ જુમા ખફી, અસરફ જુમા ખફી, ફિરોજ ઉર્ફે ટીટી નસરુદીન ખફી, રફિક નસરુદીન ખફી, અફઝલ બંટી અને અજાણ્યા સહિતના છ શખ્સોએ બુધવારે મોડીસાંજના સમયે એકસંપ કરી બે કારમાં આવીને તલવાર, લોખંડના પાઈપ, હોકી વડે હાજી ખફી ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હાજીની કારમાં નુકસાન પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એમ.એ.મોરી તથા સ્ટાફે છ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular