જામનગરમાં એસ.ટી. ડેપોના નવિનિકરણના કામનું ગઇકાલે સાંસદ પૂનમબેન માડમના હસ્તે ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. 14.48 કરોડના ખર્ચે નિર્માણ થનારા જામનગરના નવા એસ.ટી. બસ સ્ટેશનનું આરસીસી ફ્રેમ સ્ટ્રકચરનું બાંધકામ કરવામાં આવશે. આ ખાતમુર્હુત પ્રસંગે ધારાસભ્યો, મેયર, શહેર-જિલ્લા ભાજપ પ્રમુખો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
વર્ષો બાદ ખખડધજ જામનગર એસ.ટી. ડેપોનું નવિનીકરણ થવા જઇ રહ્યું છે. ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં રાખીને એસ.ટી. તંત્ર અને સરકાર દ્વારા ગઇકાલે તાબડતોબ એસ.ટી. ડેપોના બાંધકામનું ખાત મુર્હુત યોજવામાં આવ્યું હતું. રૂા. 14.48 કરોડના ખર્ચે જામનગર એસ.ટી. ડેપોના નવા રંગરુપ આપવામાં આવશે. રૂા. 1448.25 લાખના ખર્ચે 17,263 ચોરસ મીટરમાં આ નવુ બસ સ્ટેન્ડ બનશે. જેમાં ગ્રાઉન્ડ ફલોર અને પ્રથમ માળ હશે.
ગ્રાઉન્ડ ફલોરમાં 13 પ્લેટફોર્મ, મુસાફરો માટે વેઇટીંગ હોલ, સ્ટુડન્ટ પાસ ઇન્ક્વાયરી, બુકિંગ તથા રિઝર્વેશન, વીઆઇપી વેઇટીંગ રુમ, લેડીઝ રેસ્ટરુમ, જેન્ટસ રેસ્ટરુમ, કેન્ટીન, વોટર રુમ, વોશ એરિયા, સ્ટોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેમજ પ્રથમ માળે ડ્રાઇવર, કંડકટર રેસ્ટ રુમ, લોકર રુમ, શૌચાલય, બે ઓફિસ, આઠ દુકાનો સહિતની વિવિધ સુવિધાઓ રહેશે.
આ ખાત મુર્હુત સમારોહમાં સાંસદ પૂનમબેન માડમ, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, મેયર વિનોદભાઇ ખિમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોષી, દંડક કેતન નાખવા, શહેર ભાજપ પ્રમખુ ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટરો બિનાબેન કોઠારી, ગોપાલ સોરઠીયા, જામનગર એસ.ટી. ડેપો મેનેજર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.