જામનગર શહેરના રણજીસતસાગર રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્યકારણોસર હાથમાં ચીરા કરી અને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના જી. જી. હોસ્પિટલના મેડીકલ કેમ્પસમાં રહેતી મહિલાને આંચકી આવતા બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્ક શેરી નં.9 માં રહેતા નિરલભાઈ દિનેશભાઈ ખાંડેઠા (ઉ.વ.40) નામના કુંભાર યુવાને સોમવારે સાંજના સમયે તેની દુકાનમાં હાથમાં ચીરા કરી અને ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુધ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ મૃતકના પિતા દિનેશભાઈ દ્વારા કરાતા હેકો આર.ડી.ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગરની જી.જી. હોસ્પિટલના મેડીકલ કેમ્પમાં બ્લોક નં. બી-15 માં રહેતી રક્ષાબેન ભૂપેન્દ્રભાઈ રાવલિયા (ઉ.વ.35) નામની મહિલાને મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે આંચકી આવતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ ભૂપેન્દ્રભાઈ દ્વારા જાણ કરતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.