દેવભૂમિ દ્વારકા જિલ્લાના સોનારડી ગામમાં રહેતી પરિણીતા સાથે દારૂ પીવાની કુટેવ ધરાવતા પતિ અવાર નવાર ઝઘડો કરતો હતો. આ ઝઘડાથી કંટાળીને પરિણીતાએ તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા જિજ્ઞાબા હિતેન્દ્રસિંહ જાડેજા નામની પરિણીતાએ ગઈકાલે સોમવારે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. મૃતક પરિણીતાના પતિને દારૂ પીવાની ટેવ હોય અને અવારનવાર તે દારૂ પીને ઝઘડો કરતા હોવાથી જીજ્ઞાબાએ આખરે કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું સોનારડી ગામના સજનબા નવલસિંહ જાડેજાએ ખંભાળિયા પોલીસમાં જાહેર કર્યું છે. જે સંદર્ભે પોલીસે નોંધ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


