કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલી કંપનીના સ્ટાફ કવાર્ટરમાં રહેતા યુવકે તેની પ્રેમિકાના ચારિત્ર્ય ઉપર શંકા કરી અવાર-નવાર ઝઘડો કરતા પ્રેમિકા પ્રેમીનો મોબાઇલ નંબર બ્લોક કરી દેતાં પ્રેમીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં યુવકે તેના ઘરે ઓછાળ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, ઓરીસ્સાના નાયગ્રહ જિલ્લાના પુરુના કૈથપલ્લી ગામના વતની અને હાલ કાલાવડ તાલુકામાં નિકાવા ગામમાં આવેલી એકયુમેલ્ટ પ્રાઇવેટ લિમીટેડ નામની કંપનીમાં ફરજ બજાવતા દિપક લક્ષ્મીધર શાહુ (ઉ.વ.26) નામના યુવાનને તેના વતનમાં રૂબી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો પરંતુ આ પ્રેમસંબંધમાં દિપકને છેલ્લાં એક માસથી પ્રેમિકા રૂબીના ચારિત્ર્ય ઉપર શંકા જતી હોવાથી અવાર-નવાર પ્રેમિકા સાથે ફોનમાં ઝઘડો થતો હતો. પ્રેમી દ્વારા અવાર-નવાર ચારિત્ર્ય સંબંધ શંકા-કુશંકા કરી ફોન પર ઝઘડો કરતો હોવાથી કંટાળીને રૂબીએ તેનો પ્રેમી દિપકનો નંબર બ્લોક કરી નાખ્યો હતો. બીજા દિવસે સોમવારે રાત્રિના સમયે દરમિયાન કંપની સ્ટાફ કવાર્ટરની બિલ્ડિંગની સીડીની રેલીંગમાં દિપકે ગમછા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના બનાવ અંગે સાગર મુંડાકટ્ટી નામના શ્રમિક યુવાન દ્વારા જાણ કરાતા હેકો વાય.પી. ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી ઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતા મૃતકની પ્રેમિકાએ પ્રેમીનો મોબાઇલ નંબર બ્લોક કરી દેતાનું મનમાં લાગી આવતા જીંદગી ટૂંકાવી હોવાનું પ્રાથમિક તારણમાં ખૂલ્યુ હતું.
બીજો બનાવ,જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની શેરી નં.25 સી માં રહેતાં રાહુલ જયેશભાઈ સોલંકી (ઉ.વ.24) નામના મજૂરી કામ કરતા યુવકે મંગળવારે સવારના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર પંખામાં ઓછાળ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પિતા જયેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા જીણવટભરી તપાસ હાથ ધરી હતી.